કાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણી
કથિત કૌભાંડોની વાત સ્વીકારીને મતદારો મણિયાર જૂથને સમર્થન આપશે કે, મામા જૂથને ક્લીનચિટ આપશે?
કલ્પક જૂથને 4-5 બેઠકો મળે તો મોટી નવા જૂની નક્કી, રાજકોટ શહેરની બેઠકોના પરિણામો ઉપર સૌની નજર
રાજકોટ નાગરિક સહકારી બેંકના 15 ડિરેકટરોની ચુંટણીમાં ગઇકાલે શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું અને કુલ 26 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા છે. હવે આવતીકાલે તા.19ના રોજ મંગળવારે મત ગણતરી યોજાનાર છે તે તરફ સહકારી ક્ષેત્રની મીટ મંડાયેલ છે. પ્રથમ બે કલાકમાં જ પરિણામ આવી જવાની ધારણા છે.
આ ચુંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ બે જુથ જયોતિન્દ્ર મહેતાની સરકાર પેનલ અને કલ્પક મણીયારની સંસ્કાર પેનલ વચ્ચે ટક્કર હોવાથી 28 વર્ષ બાદ મતદાન થયું હતું.હવે આવતીકાલે મંગળવારે સવારે 8 વાગ્યે રૈયા સર્કલ પાસે આવેલી નાગરિક બેંક ખાતે થનાર છે ત્યારે જયોતિન્દ્ર માતા જુથ અને ભાણેજ કલ્પક મણીયાર જુથનું પાણી મપાઇ જશે. જો કે, મણીયાર જુથ શહેર વિભાગની 4-5 બેઠકો જીતી જાય તો પણ તેની તિવ્ર અસરો જોવા મળશે.
ખાસ કરીને શહેર વિસ્તારની 11 બેઠકો ઉપર સંસ્કાર પેનલના ઉમેદવારો લડતા હોવાથી આ 11 બેઠકોના પરિણામો ઉપર સૌની નજર છે. નાગરિક બેંકના કથિત કૌભાંડોની વાત સ્વીકારીને મતદારો કલ્પક મણીયારને સમથન આપે છે કે, પછી મામા જુથને કિલનચીટ આપે છે તે જોવાનું રહ્યું.
ગુજરાતમા પ્રથમ વખત કોઇ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. બેંકના ડેલિગેટ્સ મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરતા સાંજે 4.00 વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં 7 મતદાન મથકો પર કુલ 96.39% મતદાન નોંધાયું હતું.
આ ચૂંટણીમાં કુલ 7 મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઇ ખાતે બનાવવામાં આવ્યા હતા. રાજકોટ મતક્ષેત્રની 13 જનરલ સીટ માટે કુલ 23 ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તટસ્થ અને પારદર્શી ચૂંટણી માટે તમામ 7 મતદાન મથક ઉપર મતદાન એજન્ટોની ઉપસ્થિતિમાં નિયમાનુસાર સવારે 8.00 કલાકે મતદાન શરૂૂ થયું હતું.
તંત્રના આ પ્રયાસોથી બેંકના મહિલા ડેલિગેટ્સ મતદારોનું 97.73% તથા મહિલા અનામત 2 બેઠકો માટે કુલ 96.39% તથા રાજકોટ મતક્ષેત્રની જનરલ 13 બેઠક માટે 96.43% જેટલું ઊંચું મતદાન કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના પૂર્ણ થયું છે.
રાજકોટ શહેરમાં 96.43%, જેતપુર, સુરત અને મુંબઇમાં 100% મતદાન, મોરબીમાં 97.67%, જસદણમાં 93.10%, અમદાવાદમાં 81.82% મતદાન નોંધાયું છે. મતગણતરી તા. 19-11-2024ના રોજ 08.00 કલાકે રાજકોટ નાગરીક સહકારી બેંક, અરવિંદ મણીયાર સેવાલય, 150 ફુટ રિંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે યોજાશે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
મણિયાર જૂથ બેઠકો જીતે તો ભાજપમાં પણ પડશે પડઘા
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સત્તાધારી જુથની સહકાર પેનલ સામે પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે સંસ્કાર પેનલ ઉભી કરતા હવે ભાજપની આબરૂ પણ દાવ ઉપર લાગી છે. સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પક મણિયાર સહીત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરવાથી માંડી સહકાર પેનલના પ્રચારના ચોગઠા ગોઠવવા સુધી ભાજપ સંગઠનની સક્રીય ભુમિકા રહી છે અને સહકાર પેનલને ભાજપના ધારાસભ્યો સાંસદોનો પણ ખુલ્લો ટેકો હતો. આમ છતા સુકાની વગર લડેલી સંસ્કાર પેનલના 11માંથી ચાર-પાંચ ઉમેદવાર જીતી જાય તો પણ આગામી દિવસોમાં ભાજપ સંગઠનમાં તેના ઘેરા પડઘા પડી શકે છે. 28 વર્ષ બાદ સંઘ પરિવારની જ બે પેનલ સામસામે આવી છે તેમાં કૌભાંડોનો મુદો ઉછળતા બેંકની પ્રતિષ્ઠાને પણ અસર થઇ છે.