પદાધિકારીઓના ફોન ઉપાડવા ફરજિયાત, અધિકારીઓ માટે પરિપત્ર
સરકારી બાબુઓએ મુખ્યમંત્રીની મૌખિક સૂચનાનો ઉલાળિયો કરતા લેખિત પરિપત્ર બહાર પાડવો પડ્યો
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન ઉપાડવા, મિસ્ડ કોલનો જવાબ આપવા અને યોગ્ય વર્તન કરવા આદેશ
સરકારી બાબુઓ ચૂંટાયેલા લોક પ્રતિનિધીઓના ફોન નહીં ઉપાડતા હોવાની અને જવાબ પણ સરખા નહીં આપતા હોવાની અનેક વખત સરકારમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રી દ્વારા બેઠક બોલાવી એમપી, એમએલએના ફોન ઉપાડવા અને જવાબ આપવા મૌખિક સૂચના આપી હતી. પરંતુ મુખ્યમંત્રીની આ સૂચનાને અધિકારીઓ ધોળીને પી ગયા હોવાનું ચીત્ર ઉપસી આવ્યું છે અને ફરીથી એજ ફરિયાદ સરપંચથી લઇ સાંસદમાં ઉઠી છે.
ત્યારે મૌખિકના બદલે સરકારે ફરજિયાત પરિપત્ર કરવાની નોબત આવી છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓના ફોન-મિસ્ડકોલના ફરજિયાત જવાબ આપવા પરિપત્ર દ્વારા લેખિત આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડીને પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે.
આ નવા નિયમો મુજબ, મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓએ હવે રાજકીય નેતાઓ અને પદાધિકારીઓના ફોન ફરજિયાતપણે ઉપાડવા પડશે. આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલ વિભાગના અધિકારીઓ અને જાહેરજનતા, પદાધિકારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ વચ્ચેના સંવાદને વધુ સરળ અને અસરકારક બનાવવાનો છે.
આ પરિપત્રનો મુખ્ય હેતુ શાસન અને વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સરકારી અધિકારીઓ રાજકીય નેતાઓ, ધારાસભ્યો, સાંસદો કે અન્ય પદાધિકારીઓના ફોન ઉપાડવાનું ટાળે છે. જેના કારણે જનતાના કામો અટકી પડે છે અને સંકલનનો અભાવ રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે આ કડક પગલાં લીધાં છે.
નવા નિયમો મુજબ મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2 ના તમામ ક્ષેત્રીય અધિકારીઓએ રાજકીય નેતા, પદાધિકારી કે ધારાસભ્યનો ફોન આવે તો તે ઉપાડવો ફરજિયાત છે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં અધિકારી ફોન ઉપાડી ન શકે, તો તેણે શક્ય તેટલી વહેલી તકે તે નંબર પર કોલ બેક કરવો પડશે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી વ્યસ્તતાને કારણે, જેમ કે મીટિંગમાં હોવાથી, ફોન ઉપાડી ન શકે, તો તેમણે શક્ય તેટલી વહેલી તકે કોલ બેક કરવો પડશે. આ કોલ બેક પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ કે અન્ય કોઈ પણ અધિકારીને યોગ્ય જવાબ આપવા માટે કરવાનો રહેશે. આ નિયમથી ફોન કોલ્સનો જવાબ ન મળવાની ફરિયાદનું નિવારણ લાવી શકાશે અને કામગીરીમાં પારદર્શિતા વધશે.
અધિકારીઓએ ફોન પર વાતચીત કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલા નિયમોનું પાલન કરવું પડશે. વાતચીત સભ્યતાપૂર્વક અને વિનમ્રતાથી થવી જોઈએ. આ પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓએ ફોન પર વાતચીત કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આ સૂચનાઓ સૌજન્યપૂર્ણ અને કાર્યક્ષમ સંવાદ સુનિશ્ચિત કરવા માટે છે, જેથી નાગરિકો અને અન્ય વિભાગો સાથેના સંબંધો સુધારી શકાય.
શું છે નવો પરિપત્ર?
આ પરિપત્ર અનુસાર, મહેસૂલ વિભાગના વર્ગ 1 અને વર્ગ 2ના ક્ષેત્રીય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારી ફોન નંબર પર આવતા ફોન કોલ્સનો જવાબ આપવો ફરજિયાત છે. જો કોઈ અધિકારી પાસે સરકારી ફોન નંબર ન હોય, તો તેમને તેમના અંગત નંબર પર આવતા ફોન કોલ્સનો પણ જવાબ આપવો પડશે. આ નિયમ ખાસ કરીને નાગરિકો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંવાદને સુધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.