ચાઇનીઝ દોરા અને તુક્કલ વેચતા નહીં; પોલીસે વેપારીઓને રૂબરૂ સમજાવ્યા
પતંગ લૂંટવા માટે ભાગદોડ નહીં કરવા અને વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવા લોકોને અપીલ
મકરસંક્રાંતિને આડે હવે 3 દિવસ રહયા છે ત્યારે સમગ્ર રાજયમા આ પર્વની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી થવા લાગી છે. આકાશમા પતંગોની સ્પર્ધા માટે સૌ કોઇ ધારદાર દોરાઓ પણ બનાવડાવતા હોય છે તો અમુક દોરાઓની શોધમા નીકળી પડયા છે પરંતુ ધારદાર દોરીઓને કારણે ભુતકાળમા અનેક લોકો અને પશુ પક્ષીઓ માટે ઘાતકી નીવડી છે. અમુકના મૃત્યુ પણ નીપજયા હોવાના દાખલાઓ છે.
ત્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડીશ્નલ સી. પી. મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનનો કાફલો પોતાના વિસ્તારમા પતંગ અને દોરી વેચતા વેપારીઓ પાસે પહોંચ્યા હતા અને તેઓને સુચનાઓ આપી હતી કે ભુતકાળમા ચાઇનીઝ દોરી અને ધારદાર દોરીઓથી ઘણા લોકો અને પક્ષીઓના જીવ ગયા છે. જેથી લોકો પોતાની ખુશી માટે બીજાનો જીવ દાવ પર ન લગાડે અને ચાઇનીઝ દોરી કે ધારદાર કાચવાળી દોરીઓ ન વેચે તેવી સુચના આપવામા આવી હતી.
આ મામલે પોલીસે વેપારીઓને સબંધોની કહયુ હતુ કે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અને તુકકલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. માટે તુકકલ કે ચાઇનીઝ દોરી વેચશે તેમની સામે કડક કાર્યવાહી તેમજ ગુના પણ નોંધવામા આવશે તેમજ લોકોને પોતાની સેફટી માટે જણાવ્યુ હતુ કે ધાબા પર કે રસ્તા પર પતંગ પકડવા ભાગદોડ કરવી નહી. તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખતે વાહન પર સેફટી ગાર્ડ રાખવુ તેમજ ગળા પર સેફટી બેલ્ટ બાંધીને બહાર નીકળવુ.