પરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવ
રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં ગામ લોકોએ જેસીબીથી ખાડો ખોદી 20 ફૂટ ઊંડે ફસાયેલ બાળકને બચાવી લીધો
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે બપોરના ચાર વાગ્યા આસપાસ મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા મજૂરનું બાળક બોરવેલમા પડી ગયું હતું. રમતા રમતા બાળક બોરવેલમાં પડી જતાં 20થી 25 ફૂટ ઊંડે ફસાયો હતો. જે ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલા બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલા જ ગામલોકોએ બાળકને બચાવી લીધું હતું. રેસ્ક્યૂ ટીમે જણાવ્યું કે, બાળક 6 થી 7 ફૂટ નીચે ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ પહોંચ્યું હતું જુનાગઢ ફાયર ઓફિસર કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, ચાર વાગ્યે આસપાસ એક બાળક ભેંસાણના પરબ વાવડી નજીક સીમ વિસ્તારમાં બોરવેલમાં પડી ગયું હતું. જેથી તાત્કાલિક જુનાગઢ ફાયર વિભાગની ટીમ પરબવાવડી ખાતે પહોંચી હતી.
જોકે, ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી લીધું હતું. બાળક બોલી ચાલી શકતું હતું. આ ચાર વર્ષનું બાળક અંદાજે 25 ફૂટ જેટલું અંદર ફસાઈ ગયું હતું. 108 સ્ટાફ અને તંત્ર દ્વારા બાળકને 25 ફૂટ સુધી પૂરતો કુત્રિમ રીતે ઓક્સિજન મળી શકે તે માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.વાડી માલિકના કાકા રાજુ મોવલીયાએ જણાવ્યું હતું કે, મારા ભત્રીજાની વાડીએ પરબ વાવડી ગામે મજૂરનું ચાર વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હતું. હાલ બાળકને સહી સલામત બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો. બાળકની સારવાર શરૂૂ કરવામાં આવેલ છે અને બાળક પણ સ્વસ્થ હાલતમાં છે. આ બાળકને બોરવેલ માંથી બહાર કાઢવા માટે બોરવેલ નજીક જેસીબીથી ખાડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોરવેલમાં પાંચ થી છ ફૂટ ઊંડે લોકોએ હાથ પહોંચાડી બાળકને સહી સલામત બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો.