મુખ્યમંત્રી ફરી દિલ્હી ભણી, અટકળો વેગવંતી
નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક થઇ ગયા બાદ હવે મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફારો થવાની અટકળો વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ફરી નવી દિલ્હી રવાના થતાં ફરી એક વખત અટકળો શરૂ થઇ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ફરી દિલ્હીના પ્રવાસે જવા નીકળ્યા છે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના આ પ્રવાસને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે. માહિતી મુજબ, મુખ્યમંત્રીનો પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
છેલ્લા કેટલાક દિવસોથી મંત્રિમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. બીજી તરફ, કેટલાક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં પરંતુ અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોય શકે છે. આજે મુખ્યમંત્રીની નાણામંત્રી સાથે સતાવાર બેઠક હતી. કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 15 મંત્રીઓ પડતા મૂકાઈ શકે ચર્ચા મુજબ કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ,કૃષિમંત્રી રાઘવજી પટેલ,પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની ઘરભેગા થઇ શકે છે.
એ જ રીતે રાજ્યકક્ષાના મત્સ્ય અને પશુપાલન મંત્રી પરષોતમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તેમજ પ્રફૂલ પાનસેરિયા પડતા મૂકાઇ શકે છે.
મંત્રીમંડળમાં કયા નવા ચેહેરાનો સમાવેશ થવાની શક્યતા? મંત્રીમંડળમાંથી કોને પડતા મુકવા અને કોને સ્થાન આપવુ તેનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ જ કરતા હોય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે.