સણોસરામાં ભાજપના નેતાઓ દ્વારા ધોકાવાળી
- તાલુકા પંચાયતના હોદ્ેદારો સહિતના લોકોએ દુકાનમાં ઘૂસી ઘુસ્તાવ્યો, વીડિયો વાઈરલ થતાં ખળભળાટ
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વહીવટી તંત્ર ચુંટણીકામમાં ખોરવાઈ ગયું છે ત્યારે આવા ટાણે રાજકોટ નજીક આવેલ સણોસરા ગામે પાંચેક દિવસ પહેલા ભાજપના તાલુકા પંચાયતના ટોચના પદાધિકારીઓ સહિતના શખ્સે દ્વારા ગામના એક વ્યક્તિને સરાજાહેર ધોકાવાળી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારેચકચાર મચી જવા પામી છે.
રાજકોટ નજીક સણોસરા ગામે પાંચેક દિવસ પહેલા ગામના જ એક વ્યક્તિને ભાજપ તાલુકા પંચાયતના ટોચના પદાધિકારી અને તેની સાથેના ચારથી પાંચ શખ્સોએ દુકાનમાં ઘુસી ધોકાવાળી કરી હતી અને ત્યાર બાદ સ્થાનિક સખ્સને દુકાનમાંથી ઢસડી બહાર લાવી ફરી મારમારવામાં આવ્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સણોસરા ગામનો શખ્સ અવાર નવાર ગ્રામજનો પર અને આ વિસ્તારમાં ત્રાસ ફેલાવતો હોવાની ગ્રામજનો દ્વારા ભાજપના ટોચના આગેવાનો સુધી રજૂઆત કરી માથાભારે શખ્સના ત્રાસમાંથી ગ્રામજનોને મુક્ત કરાવવા માંગણી કરવામાં આવી હતી. ભાજપ તાલુકા પંચાયતના ટોચના હોદેદાર સહિતના આગેવાનો પાંચ દિવસ પહેલા સણોસરા ગામે ત્રાસ ફેલાવતા શખ્સને સમજાવવા માટે ગયા હતા પરંતુ મામલો બીચકતા ઉશ્કેરાઈ જઈ ટોચના પદાધિકારીઓએ લુખ્ખાગીરી કરતા શખ્સને પાઠ ભણાવવા ધોકાવાળી કરી હતી.
આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સોશિલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જો કે, પાછળથી જાણવા મળ્યા મુજબ સમાધાન થઈ જતાં મારખાનાર શખ્સે પોલીસ ફરિયાદ નોંધાવી નહીં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.