અગ્નિકાંડમાં માલિકો-અધિકારીઓ સામે ચાર્જશીટ
રાજકીય નેતાઓ સામે કાયદાનો પનો ટૂંકો પડયો
ટી.પી.ના અધિકારીઓ પણ આરોપી, સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સ્પેક્ટરને સાક્ષી બનાવાયા, પોલીસ તપાસ ચાલુ જ રહેશે
રાજકીય નેતાઓમાં એકમાત્ર કોર્પોરેટર રામાણીનું નિવેદન લેવાયું, અન્ય કોઈની ભૂમિકા અંગે ભેદ ભરમ, સાગઠિયા ઉપર ટોપલો ઢોળી દેવાયો?
સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ઘટના બે માસમાંજ પોલીસે ગઈકાલે 15 આરોપીઓ સામે લગભગ દોઢ લાખ પાનાનું ચાર્જશીટ ફાઈલ કરી દીધું છે.આજે આ મામલાની હાઈકોર્ટમાં સુનાવણી થાય તે પૂર્વે ગઈકાલે રાજકોટ પોલીસે સિવિલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધું છે. તેમાં જમીન માલીકો, ગેેમઝોનના સંચાલકો અને મહાનગરપાલિકાના ટી.પી. તથા ફાયર વિભાગના અધિકારીઓ મળી 15ને આરોપી બનાવાયા છે. જ્યારે આ જ અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરાયેલા ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોને સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સૌના આશ્ર્ચર્ય વચ્ચે આ ગેરકાયદેસર ગેમઝોન ચાલુ રાખવા માટે પડદા પાછળની ભૂમિકા ભજવનાર એક પણ કોર્પોરેટર કે, સતાધારી પક્ષ ભાજપના હોદેદારો કે, કોર્પોરેશનના જે-તે વખતના પદાધિકારીઓના ચાર્જશીટમાં ઉલ્લેખ સુધા નથી અને તમામને ક્લિન ચીટ આપી દેવામાં આવી છે.
લગભગ બે વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમતા આ ગેમઝોનનું આખુ સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું વિજજોડાણ લેવામાં પણ ગોલમાલ હ તી. ગેમઝોન તોડી પાડવા માટે ટી.પી. દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ ગેરકાયદે વીજ જોડાણથી માંડી ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉભુ કરવામા અને આ માચડો નહીં તોડવા દેવા પાછળ મહાનગરપાલિકાના શાસક પક્ષના અધિકારીઓ સાથે કેટલાક પદાધિકારીઓ અને ભાજપના અમુક નેતાઓની ભૂમિકા બાબતે ચાર્જશીટમાં કોઈ પણ સ્પષ્ટતા કે ઉલ્લેખ નથી. રાજકીય નેતાઓ પાસે કાયદાનો પન્નો ટુંકો પડ્યાની છાપ લોકોમાં ઉપસી રહી છે.
આ ચાર્જશીટમાં આગ લાગવા પાછળ જવાબદાર લોકો અને જવાબદાર અધિકારીની ભુમિકા સ્પષ્ટ કરવામાં આવી છે અને કોર્ટમાં તમામ પ્રકારના આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં ગેમ ઝોનના માલિક અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પ્રકાશ જૈન નામના વ્યક્તિના નાણાંકીય વ્યવહારો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અગ્નિકાંડમાં શરૂૂઆતથી જ અનેક નેતાઓની ભુમિકા અંગે ચર્ચાઓ ચાલી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કોઇ નેતાની ભુમિકા સ્પષ્ટ થઇ ન હતી જેના આધારે આ કેસમાં નેતાઓને ક્લિનચીટ મળી છે. એક માત્ર કોર્પોરેટર નિતીન રામાણીનું નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ તેની ગુનાહિત બેદરકારી પોલીસ સમક્ષ સામે આવી ન હોવાનું સામે આવ્યું છે.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્રારા દરેક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ગેમઝોનમાં આગનો બનાવ લાગ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આગ વેલ્ડીંગના કારણે લાગી હતી. વેલ્ડીંગ કરતા સમયે તણખો પડતા ગેમઝોનમાં રહેલા ફોર્મ અને લાકડાંને કારણે આગે વિકરાળ સ્વરૂૂપધારણ કર્યું જેના કારણે આ દુર્ધટના સર્જાઈ હતી.આ કેસની તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્રારા બે મહિના સુધી અલગ અલગ મુદ્દાઓને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્રારા કલમ 173(8) મુજબ તપાસ ચાલુ જ રહેશે.
જો કોઇ ગુનાહિત બેદરકારી અંગેના પુરાવાઓ મળશે તો ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપીના કહેવા પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગેમ ઝોનમાં કોઇ પેટ્રોલ કે ડિઝલનો જથ્થો મળ્યો નથી અને એફએસએલ દ્રારા પણ આ અંગે તપાસ હાથ ધરાઇ છે.પોલીસે આપેલા લાયસન્સ અંગે ડીસીપીએ કહ્યું હતું કે કોઇપણ ગેમ ઝોનમાં પોલીસ ટિકીટના દર અંગેની મંજૂરી આપતી હોય છે જ્યારે આ ગુનાના કામે આ અંગેની કોઇ અસરકર્તા નથી જેથી તેની કોઇ ભુમિકા સ્પષ્ટ થતી નથી.
ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપના કોર્પોરેટર નિતીન રામાણીએ ભલામણ કરી હોવાની મિડીયા સામે કબુલાત આપી હતી.જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા નિતીન રામાણીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.આ અંગે ડીસીપીએ કહ્યું હતું કે આ કેસમાં નિતીન રામાણીના નિવેદન બાદ તેના સંદર્ભ અને ભુમિકાની તપાસ કરી હતી પરંતુ કોઇ ગુનાહિત બેદરકારી સ્પષ્ટ થતી નથી.
એસીબી દ્રારા જે લાંચ અંગે તપાસ થઇ રહી છે તે અલગ તપાસ છે જે આ ગુના સાથે કોઇ સંલગ્ન નથી.આ દુર્ધટના બન્યા બાદ અનેક નેતાઓના નામો ઉછળ્યા હતા,કોંગ્રેસ દ્રારા અનેક નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા પરંતુ પોલીસે જે ચાર્જશીટ રજૂ કર્યું છે જેના પરથી આ સ્પષ્ટ થાય છે કે આ કેસમાં કોઇ નેતાઓની ભુમિકા નથી.ગેમ ઝોન અંગે જે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા ગુનાના કામે મળેલા દસ્તાવેજો અને પુરાવાઓને આધારે કરેલી કાર્યવાહી છે પરંતુ સવાલ એ છે કે શું આ કેસમાં કોઇ નેતાની ભુમિકા નથી. શું પુરાવાઓના અભાવે પોલીસ ભલામણ કરનાર નેતાઓને આંબી ન શકી કે પછી કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે દોષનો ટોપલો સાગઠિયા પર ઢોળી દેવામાં આવ્યોઆ કેસમાં પોલીસની તપાસ હજુ પણ ચાલુ છે ત્યારે પોલીસ આ કેસના મુળ સુધી પહોંચીને જવાબદારો સામે કાર્યવાહી કરે તે જરૂૂરી છે.
અત્યાર સુધીના સૌથી વધુ 365 સાક્ષી, પિયુષ ઠક્કર કેસમાં 250 હતા
ગેમઝોન અગ્નિકાંડના ચાર્જશીટમાં કુલ 365 જેટલા સાક્ષીઓ-સાહેદો દર્શાવાયા છે. તેમાંથી 30થી વધુ સાહેદોના નિવેદનો મેજિસ્ટ્રેટની રૂબરૂ લેવામાં આવ્યા છે જો કે, રાજકોટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં પિયુષ ઠક્કર અપહરણ-મર્ડર કેસમાં સૌથી વધુ 250 સાક્ષી સાહેદો હતા, તેમાંથી કોર્ટે 182 સાહેદો અને સાક્ષીઓને ચકાસ્યા હતા ત્યાર બાદ હવે ગેમઝોન અગ્નિકાંડના ચાર્જશીટમાં 365 સાક્ષી-સાહેદો દર્શાવાયા છે. જે રાજકોટના ઈતિહાસમાં સૌથી વધુ હોવાનું જણાવાય છે.
સાપરાધ મનુષ્યવધથી માંડી કાવતરા-મદદગારીની કલમો
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં પોલીસે 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કર્યુ છે. તમામ સામે સાપરાધ મનુષ્યવધની કલમ 304 અને સાપરાધ મનુષ્યવધના પ્રયાસની કલમ 308, બેદરકારી ભર્યા કૃત્યથી ઈજા પહોંચાડવાની કલમ 337-338, જાણકારી સાથે કૃત્ય કરવાની કલમ 465-466-471-474, કાવતરાની કલમ 120બી અને પુરાવાનો નાશ કરવાની કલમ 201 સહિતની કલમો લગાડવામાં આવી છે. આ કલમો હેઠળ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.