2018ના પાટીદાર અનામત આંદોલન સંદર્ભમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ
વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના આમરણાંત ઉપવાસ કાર્યક્રમના મામલાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કર્યું છે. હાર્દિક વિરુદ્ધ જ્યારે ચાર્જફ્રેમ કરવામાં આવ્યું, ત્યારે તે કોર્ટરૂૂમમાં હાજર હતો.
આ મુદ્દે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કુલ સાત આરોપીઓ છે. આ પૈકી ગીતા પટેલ અને કિરણ પટેલે કોર્ટ સમક્ષ કેસમાંથી દોષમુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલ વિરૂૂદ્ધ આગામી દિવસોમાં કોર્ટ આ મામલે ટ્રાયલની શરૂૂઆત કરી શકે છે.
અગાઉ સપ્ટેમ્બર 2025માં આ મામલાની સુનાવણી દરમિયાન ઘણીવાર હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ ગેરહાજર રહી ચૂક્યો છે અને તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યું હતું, જોકે બાદમાં હાર્દિકે કેસની મુદ્દત દરમિયાન હાજર રહેવાની બાંહેધરી આપતા હાઈકોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ્દ કર્યો હતો.
ભૂતકાળમાં આ કેસમાંથી દોષમુક્ત થવા માટે હાર્દિક પટેલે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસ પરવાનગી વિના ઉપવાસ કાર્યક્રમ યોજવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.