મ્યુઝિકલ નાઇટમાં અફરાતફરી: સ્ટે. ચેરમેન ઉપર પસ્તાળ
વીઆઇપી પાસ ધારકોએ નીચે બેસવુ પડયુ, ભાજપના કાર્યકરોને મળી ખુરશીની વ્યવસ્થા
સ્ટેજ સુધી દર્શકો આવી જતા કાર્યક્રમ અટકાવવો પડયો, અનેક નેતાઓએ અધુરા કાર્યક્રમે ચાલતી પકડી
મહાનગર પાલિકાનાં સ્થાપના દિવસ નિમીતે ગઇકાલે રેસકોર્સ ખાતે યોજાયેલ મ્યુઝિકલ નાઇટમા અવ્યવસ્થાનાં કારણે ભારે અફરા તફરી બોલી હોવાનુ અને ભીડ કાબુ બહાર થતા થોડા સમય માટે કાર્યક્રમ બંધ કરવાની આયોજકોને ફરજ પડી હતી . તેમજ કાર્યક્રમ માટે વીવીઆઇપી પાસનુ વિતરણ કરવામા આવેલ. પરંતુ મોટાભાગનાં પાસ ધારકોએ નીચે બેસવાની ફરજ પડી હતી. જેની સામે ભાજપનાં કાર્યકરો ખુરશીઓમા ગોઠવાય ગયેલા નજરે પડતા સ્ટેન્ડીંગ ચેરમેન પર પસ્તાળ પડી હોવાનુ જાણવા મળેલ છે તેમજ અવ્યવસ્થાનાં પગલે ભાજપ પ્રમુખ સહીતનાં મોટા નેતાઓ અધુરા કાર્યક્રમે નીકળી ગયા હતા.
રેસકોર્સ ખાતે ગઇકાલે સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત બોલીવુડ મ્યુઝિકલ નાઇટનુ આયોજન કરવામા આવેલ. દર વર્ષની માફક કાર્યક્રમમા શહેરીજનોને ઉમટી પાડવા તંત્ર દ્વારા અનુરોધ કરાયેલ તેવી જ રીતે વીવીઆઇપી મહેમાનો માટે પાસનુ વિતરણ પણ કરવામા આવેલ.
કાર્યક્રમની વ્યવસ્થા માટે મનપાનાં અધીકારીઓ સહીતનો દળ તેમજ પોલીસ વિભાગનાં કર્મચારીઓ પણ તૈનાત કરવામા આવેલ. કાર્યક્રમ શરૂ થતા ધાર્યા કરતા વધુ ભીડ એકઠી થવા લાગેલ. અને અમુક દર્શકો સ્ટેજ સુધી પહોંચી જતા સુરક્ષા વ્યવસ્થાનાં લીરે લીરા ઉડી ગયા હતા. જવાબદાર અધીકારીઓ કાર્યક્રમ સ્થળ પર ગેરહાજર જોવા મળ્યા હતા . જેની સામે શાસક પક્ષ દ્વારા પણ કોર્પોરેટરોને નીયમ મુજબ જવાબદારી ન સોપાતા વીવીઆઇપી મહેમાનોને નીચે બેસવાનો વારો આવ્યો હતો . અમુક લોકોનાં જણાવ્યા મુજબ વીઆઇપીઓ માટે કરવામા આવેલ બેઠક વ્યવસ્થા પણ ભાજપનાં કાર્યકરોને લાગતા વળગતાઓ ગોઠવાય ગયા હતા . જયારે મીડીયા પર્સન અને અનેક મહેમાનો, અધીકારીઓ તેમજ વ્યવસ્થાપકો સાથે મગજમારી કરતા જોવા મળ્યા હતા.
મ્યુઝિકલ નાઇટમા અફરા તફરી સર્જાતા સ્ટેજ પરથી સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ લોકોને શાંત રહેવાની અપીલ કરવી પડી હતી. અને વ્યવસ્થા માટે પોલીસની સાથે દોડધામ કરતા નજરે પડયા હતા. તે સિવાયનાં એક પણ પદાધીકારીઓ કે કોર્પોરેટરો વ્યવસ્થા માટે આગળ આવ્યા ન હતા. પરીણામે દર્શકો સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. અને કાર્યક્રમમા બેઠક વ્યવસ્થાની બેદરકારીનો દોષનો ટોપલો અનેક લોકોએ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર પર ધોળ્યો હતો . ત્યારે ચેરમેને પણ મારા એકલાની જવાબદારી નથી . તેમ કહી આ બનાવમા તમામની જવાબદારી ફીકસ કરી દીધી હતી. મહાનગર પાલિકા દ્વારા વર્ષ દરમ્યાન તહેવારોની ઉજવણી અને અન્ય કારણોસર મ્યુઝિકલ નાઇટ સહીતનાં કાર્યક્રમો યોજવામા આવે છે .
પ્રજાનાં પૈસે થતા કાર્યક્રમો ફલોપ જાય ત્યારે લોકોમા નિરાશા જોવા મળે છે . તંત્ર પાસે અધીકારીઓ અને વીજીલન્સની ફોજ અને વર્ષો જુનો અનુભવ હોવા છતા બેઠક વ્યવસ્થા તેમજ દર્શકો માટેની વ્યવસ્થાનો અભાવ ગઇકાલનાં કાર્યક્રમમા જોવા મળ્યો હતો . રૂ. 50 લાખથી વધુનુ આંધણ મનપાએ કરી નાખ્યુ જેની સામે લોકોમા દેકારો અને એક સમયે બેઠક માટે માથાકુટ કરતા શહેરીજનો સીવાય કશુ જ હાથ ન લાગ્યુ. અને કાર્યક્રમ બાદ શહેરીજનોનાં રોષનો ભોગ પણ તંત્રએ બનવુ પડયુ છે . આથી હવે આ પ્રકારનો કાર્યક્રમ કરતા પહેલા તંત્રએ 100 વખત વિચારવુ પડશે તેવુ લાગી રહયુ છે.
અગાઉ કાર્યક્રમો સફળ કેમ થતા?
મનપા દ્વારા યોજાયેલ મ્યુઝિકલ નાઇટમા ગઇકાલે અફરા તફરી મચી ગયા બાદ અધીકારીઓ અને શાસક પક્ષ દ્વારા દોષનો ટોપલો એક બીજા પર ઢોળવામા આવી રહયો છે . પરંતુ મનપામા નવી બોડીની રચના થયા બાદ કાર્યક્રમો સહીતનાં કામોમા વધુ બેદરકારી જોવા મળી રહી છે . તેમજ અંદરો અંદરની લડાઇમા મનોરંજન કાર્યક્રમોનો પણ ભોગ લેવાઇ રહયો છે . તેવી ચર્ચા જાગી છે. અને સાથો સાથ અગાઉ મનપા દ્વારા યોજાયેલા તમામ કાર્યક્રમો હેમખેમ રીતે સફળ કેમ થયા તે હાલની બોડીને શિખવાની જરૂર છે તેવુ કહેતા અમુક લોકો નજરે પડયા હતા.