સસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધી
પુરવઠા સચિવ સુધી રજૂઆતો બાદ વિતરણમાં પાંચ દિવસનો વધારો, મહિનાના અંતે ફાળવણીથી કાયમી સમસ્યા
રાજકોટ શહેરમાં રવિવારે સસ્તા અનાજની દુકાનો પર રાશનનો જથ્થો મોડો પહોંચતા રાશનકાર્ડધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જથ્થો સમયસર ન પહોંચતા અને વિતરણ વ્યવસ્થામાં અંધાધુંધી સર્જાતા લાંબી કતારો લાગી હતી, જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલો છેક પુરવઠા સચિવ સુધી પહોંચતા તેમણે વિતરણ માટે પાંચ દિવસનો વધારાનો સમય આપ્યો છે.
મહિનાની શરૂૂઆતમાં જ આવો જથ્થો છેક છેલ્લી ઘડીએ સસ્તા અનાજની દુકાનો પર પહોંચાડવામાં આવતો હોવાથી એક સાથે અનેક રાશનકાર્ડધારકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
રવિવારે સવારે રાજકોટના શાસ્ત્રીનગરની એક વ્યાજબી ભાવની દુકાન ખાતે રાશનકાર્ડધારકોના ટોળાં ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ લોકો કતારમાં ઉભા હતા અને તેમનો વારો ક્યારે આવશે તેની કોઈ ખાતરી ન હોય તેવા ખૂબ જ અંધાધૂંધીભર્યા સ્થિતિ હતી. મહિનામાં જયારે ફક્ત બે દિવસ બાકી હોય ત્યારે વ્યાજબી ભાવની દુકાને આવા ટોળાં ઉમટવાનું કારણ એ છે કે વ્યાજબી ભાવની દુકાને સમયસર જથ્થો પહોંચતો નથી.
રાજકોટના સ્થાનિક ક્લાર્ક, ગોડાઉન મેનેજર, ગોડાઉન ઓફિસર તથા જિલ્લા મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી, કોઈ નિશ્ચિત નિયમ મુજબ કામ કરતા નથી તેવા પણ આ વ્યાજબી ભાવની દુકાનના માલિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
કેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી હિતુભા જાડેજાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા સમાચાર પત્રોમાં જાહેરાત મૂકી દેવામાં આવે છે કે, આ જથ્થો 28 તારીખે પહોંચશે ત્યારે આવા દ્રશ્યો જોવા મળે છે. અધિકારીઓ ચેમ્બરમાં બેસીને લેવાના નિર્ણયોની નિષ્ફળતા આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે. આ હાલાકી સર્જવા પાછળની જવાબદારી સરકારના સબંધિત અધિકારીઓની છે.