વાતાવરણમાં પલટો, સવારમાં ગોરંભાયા વાદળો
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિવે ગરમી જેવી ડબલ ઋતુ વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળાઓ ગોરંભાતા વરસાદી વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ આકરો તાપ નીકળ્યો હતો.
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ડહોળ જોવા મળ્યો હતો. સવારે 9 વાગ્યા સુધી આકાશમાં વાદળો છવાયા હતા. પરિણામે અમુક સ્થળે કમોસમી વરસાદના સામાન્ય છાંટા પડયા હતા તો અમુક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી સુસવાટા મારતા ઠંડા પવનો બાદ બે દિવસથી થોડી રાહત જોવા મળી હતી ત્યાં આજે વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો જોવા મળતા માવઠુ થવાના ભયથી ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે.
આકાશમાં ગોરંભાયેલા વાદળો સાથે સવારથી ઠંડા પવનો પણ ફુંકાવા લાગ્યા હતા. જો કે, સવારે 9-30 વાગ્યા બાદ વાદળા વિખેરાયા હતા અને આકરો તાપ નીકળ્યો હતો.