અંબાજીમાં પૂનમના મહામેળાના પગલે દર્શનના સમયમાં ફેરફાર
ઉત્તર ગુજરાતમાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે મંદિરમાં દર્શન અને આરતીના સમયને લઈને નવી અપડેટ સામે આવી છે.
આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. આ દિવસો દરમિયાન અંબાજી મંદિરમાં સવારે 6 થી સાડા 6 વાગ્યા દરમિયાન મંગળા આરતી થશે. જ્યારે સાંજની આરતી 7 થી સાડા 7 વાગ્યા સુધીમાં થશે.
મેળાના 7 દિવસ દરમિયાન માઈભક્તો સવારે 6 કલાકે મંગળા આરતીથી સાડા 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે. જ્યારે બપોરે 1 કલાક મંદિરના નિજ દ્વારા બંધ રહેશે. જે બાદ બપોરે સાડા 12થી સાંજે 5 વાગ્યા સુધી માઈભક્તો દર્શન કરી શકશે. તે પછી સાંજે 7 વાગ્યે આરતી સમયે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે, જે રાતે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
દર વર્ષે લાખો પદયાત્રિકોમાં અંબાના ધામમાં દર્શનાર્થે પધારે છે. વિવિધ સામાજીક સંસ્થાઓ અને સેવા સંગઠનો યાત્રાળુઓ માટે વિવિધ પ્રકારના સેવા કેમ્પોનું આયોજન કરે છે. ભકિત અને આસ્થાના સમન્વય સાથે આ મેળામાં તમામ સહભાગી સંસ્થાઓ વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડે છે.
તમામ સેવા કેમ્પો સાથે સંકલન થાય અને એકસૂત્રતા જળવાય અને સ્વચ્છતા કાર્યક્રમના મુદ્દાના નિવારણ તેમજ અન્ય પ્રશ્નોના નિવારણ હેતુસર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.