ચંડોળા ડિમોલિશન પાર્ટ-2 : મિનિ બાંગ્લાદેશમાં 8000 મકાનો તોડવા ઓપરેશન
સવારે 6 વાગ્યાથી 3000 પોલીસ, 25 એસઆરપી કંપનીની હાજરીમાં 50 બુલડોઝર કામે લાગ્યા, 2.5 લાખ ચો.મીટર જમીન ખુલ્લી કરાઈ
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ-2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે.
ગઇકાલે રાત્રે અંતિમ કલાકોમાં રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા. અખઈએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં માઈક ફેરવી લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી. મોડી સાંજે અને રાત્રીના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડિમોલીશન કામગીરી માટે રાત્રિના સમયે જ અહીં જેસીબી સહિતના વાહનોની કતારો લાગી હતી.
ચંડોળા ડિમોલિશન ફેઝ-2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 જછઙ કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ-2ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે.
છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન ઊઠજ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
ડિમોલિશન માટેની તૈયારીઓ અંગે માહિતી આપતાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે જણાવ્યું હતું કે ગત મહિને કરાયેલા ડિમોલિશનમાં મહાનગર પાલિકાની ટીમે દોઢ લાખ ચો.મી. દબાણો દૂર કર્યા હતા. બીજા પાર્ટમાં અઢી લાખ ચો.મી. દબાણો દૂર કરવાની કવાયત થશે. ચંડોળા દબાણોની સાથે સાથે ગુનાખોરીનું હબ બની ગયું હતું માટે હવે માથાભારે તત્ત્વો સામે પણ પગલાં લેવામાં આવશે. ચંડોળામાં ડિમોલિશન બાદ અન્ય સ્થળે જઇને આ લોકો દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદો અંગે પણ કમિશનરે દબાણો દૂર કરવા જ્યારે પણ પાલિકા સુરક્ષા માગશે ત્યારે ચોક્કસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવતા યુવક-યુવતીઓ જો ગુજરાત આવી જાય તો તેમનું પહેલું આશ્રયસ્થાન અમદાવાદનું ચંડોળા તળાવ જ હોય. તંત્ર અને પોલીસની રહેમનજર હેઠળ ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓના આશ્રયસ્થાન ઉપરાંત ગુનાખોરીનું હબ બની ગયું. દારૂૂ- જુગારના અડ્ડા, ડ્રગ્સનું વેચાણ, યુવતીઓ-મહિલાઓનું શોષણ અને તળાવમાં પુરાણ કરીને દબાણ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકોને લલ્લા બિહારી જેવા તત્ત્વો તમામ પ્રકારના ભારતીય ડોક્યુમેન્ટસ પણ બનાવી આપતા હતા. ભારતીય પાસપોર્ટને આધારે ઘણા બાંગ્લાદેશી નાગરિકો વિદેશ પણ પહોંચી ગયા. ચાલુ વર્ષ અમદાવાદમાંથી અઢીસો બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા જે પૈકી 209 તો ચંડોળામાંથી પકડાયા છે. પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો પૈકી 202ને ખાસ વિમાનમાં ઢાકા ડિપોર્ટ કરી દેવાયા છે.