ચાંદીપુરા વાઈરસે વધુ બે બાળકોનો ભોગ લીધો
રિવાબા જાડેજાએ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબોને જરૂરી સુચના આપી
ગુલાબનગર અને લાલપુરના બાળકનું સારવાર દરમિયાન મોત, ચાર બાળ દર્દી સારવાર હેઠળ
જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળક તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સારવાર અર્થે આવેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસ ની બીમારીના કારણે મૃત્યુનો આંક 3 નો થયો છે. અને હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણા ની પાંચ વર્ષ ની એક બાળકી, કે જે બંને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે. જેથી આરોગ્ય તંત્ર એ થોડો રાહતનો શ્વાસ લીધો છે.