ચાંદીપુરા દર્દીથી દર્દીમાં ફેલાતો રોગ નથી, ડરો નહીં: ડો.મોનાલી માંકડિયા
સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા રોગ સામે લડવા તમામ સુવિધા ઉપલબ્ધ: ડો.પંકજ બૂચ
હાલમાં 8 દર્દીઓ સારવારમાં, ત્રણ પોેઝિટિવ, પાંચ શંકાસ્પદ: ડો.હેતલ કયાડા
અત્યાર સુધીમાં 8 દર્દીનો ભોગ લીધો: દર્દી કે વાલીઓની બેદરકારી ગંભીર પરિણામ નોતરી શકે: તબીબો
રાજયભરમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ (રોગે) રાજકોટમાં પણ પ્રવેશ કરી લેતા સ્થાનિક સિવિલ હોસ્પીટલનું આરોગ્યતંત્ર સતર્ક બની ગયું છે. આ રોગના દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે.
જેમાં તમામ પુરતી સુવિધાઓ અને તબીબી સ્ટાફ મૌજુદ હોવાનું સિવિલ હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડીયા દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું હતું.
સિવિલના તબીબી અધ્યક્ષ ડો.મોનાલી માંકડીયા, ડો.પંકજ બુચ, ડો.હેતલ કયાડા, ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણા, ડો.શુરભી નગવાડીયા, ડો.સરિતા શર્મા તેમજ ડો.એમ.સી. ચાવડા વિ. તબીબી અધિકારીઓની હાજરી વચ્ચે આજે ચાંદીપુરા વાયરસની જાણકારી માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ તકે ચાંદીપુરા વાયરસનો હાઉ દુર કરતા તમામ તબીબોએ જણાવ્યું હતું કે, માણસથી માણસમાં થતો આ રોગ નથી. એટલે પ્રત્યેક વ્યકિતએ આ રોગથી ડરવાની જરૂર નથી. પણ આ વાત સામે બેદરકારીથી પણ દુર રહેવા તબીબોએ સલાહ આપી હતી. લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું થઇ જવું,
ધબકારા ઘટી જવા, તાવ આવવો, લીવર-મગજમાં સોજો આવી જવો આવા લક્ષણો દેખાય, અનુભવાય તો બેદરકારી દાખવ્યા વગર તબીબી સલાહ, સારવાર લેવી હિતાવહ છે.
જો માથું મારી મુકાય તો ગંભીર પરિણામો ભોગવવાની નોબત સહવી પડી શકે તેવી ચિંતા તબીબોએ વ્યકત કરી હતી.
તબીબોએ એવું પણ જણાવ્યું હતું કે શહેરની સિવિલમાં માત્ર શહેરનાં જ નહીં પણ અહીં સૌરાષ્ટ્રભરમાંથી રોજબરોજ દર્દીઓ સારવાર માટે આવે છે અને અહીં પુરતી તબીબી સુવિધાઓ હોવાથી સારવાર કે તબીબી સ્ટાફ પરત્વે દર્દીઓની કોઇ ફરીયાદો નથી.
પડધરી પંથકની બાળકીને સ્વસ્થ કરીને અપાઇ રજા
આજે પ્રેસ કોન્ફરન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને એકદમ સ્વસ્થ કરીને સાજી કરાયેલી બાળકી અને તેણીના વાલીઓને હાજર રખાયા હતા. આ તકે પડધરી પંથકના ગ્રામ્ય વિસ્તારની 7 વર્ષની બાળકીના િ5તા વિક્રમભાઇએ જણાવ્યું હતું કે, દીકરી બચી ન શકે તેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. ચાંદીપુરા વાયરસે દીકરીને ઘેરી લીધી હતી પણ અહીંના તબીબી ટીમની સધન સારવારથી મારી દીકરીને નવજીવન મળ્યું છે.
હજુ 3 દર્દીઓ પોઝિટિવ સાથે 8 દર્દીઓ સારવારમાં
તબીબી અધિક્ષક સહીતની તબીબી ટીમની હાજરીમાં ડો.હેતલ કયાડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પીટલમાં ચાંદીપુરા રોગની સારવાર માટે 20 દર્દીઓ દાખલ થયા હતા. જેમાં પાંચ દર્દીઓમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા સઘન સારવાર અપાઇ રહી છે. 8 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 5 દર્દીઓના રીપોર્ટ હજુ બાકી છે. હાલમાં દાખલ 8 દર્દીઓમાંથી ત્રણ પોઝીટીવ અને પાંચ દર્દીઓને શંકાસ્પદ સ્થિતિમાં સારવાર અપાઇ રહી છે.
પહેલાં પુના, હવે ગાંધીનગર મોકલાય છે સેમ્પલ: 7 દી’માં રિપોર્ટ આવે
પત્રકાર પરિષદમાં પત્રકારોનાં સવાલનો જવાબ આપતા ડો.મોનાલી માંકડીયા, ડો.પંકજ બુચ તેમજ ડો.હેતલ કયાડાએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ, વાયરસનાં પ્રારંભમાં સંબંધીત દર્દીના સેમ્પલ પૂને મોકલાતા પણ હવે જીબીઆરસી-ગાંધીનગર ખાતે મોકલીને ચકાસણી પૃથ્થકરણ કરાય છે. પ્રત્યેક લોહી સેમ્પલના રીપોર્ટ આવતા ઓછમાં ઓછા સાત દિવસ લાગે છે. આટલો સમય દરમિયાન દર્દીઓને જરૂરી તમામ સારવાર સઘન રીતે અપાય છે.
સૌથી વધુ શનિવારે 4045 દર્દીઓની ઘઙઉ
સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા અને સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા બાબતે ડો.હેતલ કપાડાએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડીયા દરમિયાન લીવરના 10 કેસ, મગજના 4, ટાઇફોઇડના 5, ઝાડા-ઉલ્ટીના 77, સામાન્ય બિમારીનાં 41, મેલેરીયા-2 અને ડેંગ્યુના 6 મળી 161 દર્દીઓની સમયોયિત સારવાર અપાઇ છે. હોસ્પિટલમાં જૂદા-જૂદા 19 વિભાગોમાં તા.21ના રોજ 2846, 22ના રોજ 416, 23ના રોજ 4206, તા.24ના રોજ 3594, 25ના રોજ 3536, તા.26ના રોજ 3595 અને 27ને શનિવારે 4045 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા.