ચાલુ એમ્બ્યુલન્સે મહિલાને પ્રસૂતિ કરાવી માતા-બાળકને બચાવતો 108નો સ્ટાફ
પડધરી ખાતે ફરજ બજાવતા 108નાં સ્ટાફે ટંકારા તાલુકાનાં હમિરપર ગામની એક સગર્ભાને ચાલુ એમ્બ્યુલન્સે પ્રસુતિ કરાવીને બાળક-માતાના જીવ બચાવતાં જાણકારોમાં 108નાં સ્ટાફનાં સાર્વત્રિક સરાહના થઇ રહી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાનાં હમિરપર ગામની એક મહિલાને પ્રસવની પીડા ઉપડતા તાત્કાલિક દવાખાને પહોંચાડવી જરૂરી બન્યું હતું.
આવા સમયે હાથવગી અને તાત્કાલિક સહાય માટે સગર્ભા મહિલાનાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને કોલ કરતાં દર્દી સુધી પહોંચડવાનાં પડધરીની 108ની ટીમને આદશે થયો હતો.દરમિયાન આ 108ની ટીમનાં પાયલોટ સુરેશભાઇ દવેરા મારતે ઘોડે હમિરપર પહોંચી મહિલા દર્દીને એમ્બ્યુલન્સમાં લીધા હતાં. આ સમયે અસહય પ્રસવ વેદનાને ધ્યાને લઇ ઇએમટી નિલેશ ગોહિલે પોતાની સુઝબૂઝથી મહિલા દર્દી સુમિત્રાબેનને ચાલુ એમ્બ્યુલન્સમાં જ ઉપરી તજજ્ઞોના માર્ગદર્શન વચ્ચે પ્રસુતિની કાર્યવાહી, સેવા શરૂ કરતાં બાળકના ગળે ફરતો નાઇડો વીંટળાયેલો અને બાળક ઊંઘુ હોવાનું સોનોગ્રાફીમાં દેખાયું હતું.
આમ છતાં હિંમત હાર્યા વગર પડધરી 108નાં સ્ટાફે સમય સચુકતા વાપરી સફળ પ્રસુતિ કરાવતા માતા અને બાળકનાં જીવ બચી ગયા હતાં.આમ અકસ્માત સમયે ઘટનાંસ્થળે પહોંચતી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ "ડિલિવરી ઓન વ્હીલ” એટલે કે ચાલુ એમ્બ્યુલન્સે પણ ખરે સમયે ઉમિત સારવાર માટે કાબેલિયત હોવાનો દાખલો પુરો પાડ્યો હતો.