ભુજના છાત્રોનો ચક્કાજામ, પાંચ કિ.મી. લાંબી લાઇનો લાગી
બસમાં સીટ મુદ્દે વિદ્યાર્થીઓએ રસ્તા રોકી આંદોલન કર્યું: સ્પેશિયલ બસ ફાળવતા મામલો થાળે પડ્યો
ભુજોડીમાં મંગળવારે બે કલાક રસ્તો બ્લોક કરાયો, બસમાં સીટ મુદ્દે વિદ્યાર્થીઓએ રસ્તો રોકો આંદોલનનું સ્વરૂૂપ આપી દીધું. પૂર્વ-પશ્ચિમ કચ્છને જોડતો મહત્વનો પોઇન્ટ બંધ થઇ ગયો. પરિણામ એ આવ્યું કે, સાંજે ભુજ- ભુજોડી એસ.ટી બસ ફાળવવામાં આવી હતી.બનાવ એમ બન્યો હતો કે, બે વાગ્યાના અરસામાં ભુજોડી બસ સ્ટેશન પાસે ભુજ-નાડાપા અને ભુજ-લફરા બસ થોભાવવામાં આવી હતી. વિધાર્થીઓ વચ્ચે અંદરોઅંદર બબાલ એટલે થઇ કે, ભુજોડી આવતા વિદ્યાર્થીઓને લાંબા રૂૂટના વિદ્યાર્થીઓએ કહ્યું તમે અન્ય બસમાં આવો.
ભુજોડી કોઈ પણ બસ જશે! કંડકટર અને ચાલક સ્થિતિ પારખી ન શક્યા અને પરિસ્થિતિ એવી વણસી ગઈ કે, માધાપર નજીક આવેલ ડેરીથી લઈને શેખપીર સુધી અંદાજિત બે-ત્રણ હજાર વાહનોના થપ્પા લાગી ગયા. જેમાં એમ્બ્યુલન્સ, ખાનગી કર્મચારીઓ અને ખુદ વિધાર્થીઓ અટવાઈ ગયા હતા.
આ મુદ્દે વાયરલ વીડિયોમાં અવારનવાર આવી સીટ મુદ્દે કનડગતનો વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો. બીજીતરફ સીટમાં ઝઘડતા વિધાર્થીઓનો વિડીયો પણ વાયરલ થતા અનેક મેસેજ ફર્યા હતા. પોલીસે કહ્યું કે, મુદ્દો સીટને લઈને હતો જેને ટ્રાફિકજામનું સ્વરૂૂપ ધારણ કરતા માધાપર પોલીસે દોઢ કલાકે ટ્રાફિકજામ હળવો કર્યો અને માર્ગ પૂર્વવત કર્યો હતો. એસ.ટીના વિભાગીય નિયામક વાય.કે પટેલે કહ્યું કે, સીટ મુદ્દેનો ઝઘડો આ સ્તર સુધી પહોંચ્યો. મામલો ધ્યાને આવતા અમે દરરોજ ભુજ-ભુજોડી બસ 1.30 વાગ્યે બપોરે દોડાવશું, અત્યાર સુધી આ મુદ્દે રજૂઆત આવી ન હતી.
ઘટનાસ્થળે હાજર રહેલા ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી એ કહ્યું કે, અમે 7 મહિના અગાઉ માધાપર પોલીસ અને એસ.ટીમાં રજૂઆત કરતી હતી.નિવેડો ન આવતા આજે કનડગત બાદ આ સ્થિતિ ઉભી થઇ હતી, એક તબક્કે કંડકટર અને વિદ્યાર્થી પર પોલીસ ફરિયાદ સુધી મામલો બિચક્યો હતો, જો કે બાદમાં સમાધાન થતા નિરાકરણ આવ્યું હતું. આ વચ્ચે નોંધનીય બાબત છે કે, છેલ્લો ટ્રાફિક જામ ભુજોડી ખાતે 31 મેં2022ના રોજ થયો હતો. ઓવરબ્રિજ બની જતા હવે ટ્રાફિકજામ ભૂતકાળ બની ગયો છે.
માધાપર નજીક આવેલ ડેરીથી લઈને શેખપીર સુધી પાંચેક કિમીમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.
જેમાં કંપનીના કામદારો, નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ પણ હતાં. કલાકો સુધી ટ્રાફિક રહેવાનો હોવાથી લોકો બસમાંથી ઉતરી સામેની બાજુ પગપાળા પહોંચ્યા હતા અને સામેબાજુએ છકડો-રીક્ષામાં પોતાના સ્થળ સુધી ગયા હતાં.