મોરકંડા ગામની નદીમાંથી મહિલાની લાશ મળતા ચકચાર
જામનગર નજીક મોરકંડા ગામની નદીમાં કરુણાંતિકા સામે આવી છે. જેમાં ગામની નદીના જળ પ્રવાહમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી હતી. આ અંગે જામનગર ફાયરને જાણ કરાતા ફાયરે દોડી જઇ લાશને બહાર કાફવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સ્થાનિક પોલીસ કાફલો પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ગામમાં આવેલી નદીના જળ પ્રવાહમાં લાશ તરતી હોવાની સ્થાનિકોને જાણ થતાં લોકો દોડી ગયા હતા. જ્યાં તપાસ બાદ જામનગર ફાયર બ્રિગેડને કોલ કરાતા ફાયર સ્ટાફ મારતે ઘોડે દોડી આવ્યો હતો. જ્યા ફાયર શાખાની ટુકડી મોરકંડા ગામે બપોરના ચારેક વાગ્યાના અરસામાં પહોંચી હતી.
જ્યા કાર્યવાહી હાથ ધરી મહામહેનતે મહિલાની લાશને બહાર કાઢી હતી. બીજી બાજુ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના દોડી આવી હતી. જ્યા પોલીસને મૃતદેહ સુપ્રત કરાતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાનું નામ રેખાબેન જગદીશભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું અને મૃતક મહિલા મોરકંડા ગામની હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવાયું છે અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.