ચકરડી યાંત્રિક રાઈડસના ભાડામાં રૂા.5નો વધારો
લોકમેળાની ફાઈનલ ડિઝાઈનમાં ફરી એકવાર ફેરફાર, ફાયર સેફટીને ધ્યાને રાખીને સુધારા સૂચવ્યા : પ્લોટના ભાડામાં 10થી 12 ટકાનો વધારો મંજૂર કરતા કલેકટર
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ 24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને મેળામાં આવતાં લોકોની સુરક્ષા માટે આ વખતે લોકમેળાની ડીઝાઈનમાં ફેરફાર કરી 30 ટકા જેટલા પ્લોટ અને ચકરડીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ચકરડી યાંત્રિક રાઈડસના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો મંજુર કરવામાં આવ્યો છે.
રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી લોક મેળા સમિતિ દ્વારા દર વર્ષે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળાનો લાભ લે છે. દર વર્ષે લોક મેળામાં 10 થી 15 લાખથી વધુ લોકો ઉમટી પડતાં હોય છે. જેઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ વખતે લોક મેળાની ડીઝાઈનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે સુચવેલી એસઓપીને ધ્યાને રાખીને રાજકોટના લોકમેળામાં ફરવા આવતાં લાખો લોકોની સુરક્ષાને ધ્યાને લઈને 30 ટકા જેટલા સ્ટોલ અને ચકરડીમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ લોક મેળામાં ખુલ્લી જગ્યાનો આ વખતે વધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ લોકમેળામાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા પણ ફરજિયાત રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. યાંત્રિક રાઈડોના સંચાલકોને સેફટી સર્ટિફીકેટ વગર વીજ કનેકશન મળશે નહીં અને લોકોની સેફટીને અગ્રતા આપવા ખાસ સુચના કરવામાં આવી છે.
આજે કલેકટરના અધ્યક્ષસ્થાને લોક મેળા સમિતિની બેઠક મળી હતી. જેમાં લેઆઉટ પ્લાનમાં કલેકટરે ફાયર સેફટીને ધ્યાને રાખીને અમુક સુધારા સુચવ્યા છે. જ્યારે નાની ચકરડી અને મોટી યાંત્રિક રાઈડોના સંચાલકોને નુકસાની ન જાય તે માટે પાંચ રૂપિયાનો ભાવ વધારો મંજુર કરી દેવામાં આવ્યો છે. ગત વર્ષે નાની ચકરડીના ભાવ 30 રૂપિયા રાખવામાં આવ્યા હતાં. જેમાં પાંચ રૂપિયાનો વધારો કરી નાની ચકરડી વાળાને 35 રૂપિયા લઈ શકશે જ્યારે મોટી યાંત્રિક રાઈડોના ભાવ 40 રૂપિયા હતાં જેમાં પણ પાંચ રૂપિયાનો વધારો કરી મોટી યાંત્રિક રાઈડના સંચાલકો મેળામાં આવતાં લોકો પાસેથી 45 રૂપિયા ભાવ વધારો લઈ શકશે.
આ ઉપરાંત જિલ્લા કલેકટર પ્રભવ જોષીને રમકડાં, આઈસ્ક્રીમ અને ખાણીપીણી તેમજ યાંત્રિક રાઈડોના પ્લોટના સુચવવામાં આવેલા ભાડા વધારાને મંજુરીની મ્હોર મારી છે. નાના રમકડા અને ખાણીપીણીના પ્લોટમાં 10 ટકાનો ભાવ વધારો મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે મોટી યાંત્રિક રાઈડો તેમજ આઈસ્ક્રીમના ચોખટા તેમજ મોટા ખાણીપીણીના સ્ટોલોમાં ગત વર્ષ કરતાં 12 ટકાનો ભાવ વધારો મંજુર કરવામાં આવ્યો છે.
લોકમેળાના સ્ટોલમાં ફોર્મ માટે વેપારીઓનો ધસારો
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાનું આજથી ફોર્મનું વિતરણ બે સ્થળેથી શરૂ કરવામાં આવ્યું છે. ત્રિકોણ બાગ નજીક શાસ્ત્રી મેદાન સામે આવેલ તોરલ બિલ્ડીંગ ઈન્ડિયન બેંક ખાતે તેમજ જુની કલેકટર કચેરીમાં આવેલ સીટી.પ્રાંત-1ની કચેરી ખાતે આજથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અને સવારથી જ બન્ને સ્થળે ફોર્મ લેવા વેપારીઓ અને રાઈડસના સંચાલકોંનો ધસારો જોવા મળ્યો હતો. આ વખતે પ્લોટના ફોર્મનો ભાવ પણ 200 રૂપિયા રાખવામાં આવ્યો છે. આમ છતાં ફોર્મ લેવા માટે પડાપડી જોવા મળી હતી.