રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલી નુકસાનીનો તાગ મેળવતી કેન્દ્રીય ટુકડી
વિવિધ વિભાગો પાસેથી કલેકટર કચેરીની બેઠકમાં માહિતી મેળવવા ઉપરાંત સ્થળ વિઝિટ પણ લીધી
રાજકોટ જિલ્લાના ખેતી, માર્ગ- મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે ક્ષેત્રોમાં વર્ષાઋતુ-2025 દરમિયાન થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્રિય સચિવ કક્ષાની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની સવિસ્તર વિગતો મેળવી હતી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અધિક કલેકટર એ.કે.ગૌતમે કેન્દ્રીય ટીમના સભ્યોને આવકાર્યા હતા. કૃષિ, માર્ગ-મકાન, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વરસાદના કારણે થયેલ નુકસાનીની વિગતો રજૂ કરી હતી. કેન્દ્રીય સચિવોએ ખેતી વિશેની તમામ સ્થાનિક જાણકારી ઉપસ્થિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઓચિંતા વરસાદની પરિસ્થિતિમાં કપાસ અને મગફળીના પાકને બચાવવાના ઉપાયો વિષે કૃષિ વિભાગ દ્વારા કરાયેલી પ્રચાર-પ્રસારની કામગીરીની જાણકારી પણ ટીમના સભ્યોએ મેળવી હતી.
રાજકોટ જિલ્લાની કૃષિ ક્ષેત્રની સાંપ્રત પરિસ્થિતિ, જિલ્લામાં લેવાતા ઋતુ પ્રમાણેના રોકડિયા તથા અન્ય કૃષિ પાકો, કૃષિ સંલગ્ન ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ આંતર માળખાકીય સવલતો, ગોંડલ-ઉપલેટા પંથકમાં કાર્યરત એમ.એસ.એમ.ઈ.(સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગો), ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા ખેડૂતોની સામાજિક પરિસ્થિતિ વગેરે વિશે કેન્દ્રીય ટીમે ઉપસ્થિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ટીમ મેમ્બર્સ માર્ગ અને મકાન વિભાગ હેઠળના માઈનોર બ્રીજ, એપ્રોચ રોડ, ડાઈવર્ઝન વગેરેને થયેલા નુકસાનથી માહિતગાર થયા હતા. પી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફોર્મર્સ, વીજ થાંભલાઓ તથા વીજ લાઈનોને થયેલા નુકસાનની પણ વિગતો જાણી હતી. આંગણવાડી, સરકારી શાળા પરિસર વગેરેને થયેલા નુકસાન વિશે પણ સભ્યોએ જાણ્યું હતું.
અને અણચિંતવી પરિસ્થિતિનો આયોજનબદ્ધ સામનો કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી વિભાગના અધિકારીઓની સરાહના કરી હતી. કેન્દ્રીય ટીમ તથા સંબંધીત વિભાગોના અધિકારીઓ આજે રાજકોટ જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રૂૂબરૂૂ નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ ખરે, કેન્દ્રીય નાણાં વિભાગના નાયબ સચિવ કંદર્પ પટેલ, કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ આર.ક્રીશ્નાકુમારી, રાજ્યના રાહત વિભાગના નિયામક એસ.સી.સાવલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ, સંયુક્ત કૃષિ નિયામક ગૌરાંગ દવે, નાયબ ખેતીવાડી નિયામક તૃપ્તિબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, ડીઝાસ્ટર મામલતદાર મીરાંબેન જાની અને અન્ય સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.