સૌરાષ્ટ્રભરમાં શસ્ત્રપૂજન સાથે વિજયાદશમીની ઉજવણી
પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ સમાજ દ્વારા શસ્ત્રોનું પૂજન કરાયું: ઠેર-ઠેર રાવણ દહન
દશેરાના પાવન દિવસે સૌરાષ્ટ્રભરમાં શુભમુહુર્તમાં શાસ્ત્રો વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવેલ ઠેર ઠેર રેલી સ્વરૂપે શોભાયાત્રા નિકળી હતી. યુવાનોમાં હિન્દુત્વની ભાવના જાગૃત કરવાના હેતુથી શસ્ત્ર પૂજન, ભારત માતા પૂજન, બહેનો દ્વારાતલવાર બાજી, સનાતન ધર્મસભા,શાનદાર આતશબાજી તેમજ આસુરી શક્તિ પૂતળા દહનનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું.
વીરપુર
વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર,પરાક્રમની પૂજા,ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયદશમીના પાવન પર્વ નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે સદીઓથી ચાલી આવતી ક્ષત્રિય સંસ્કૃતિ અને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થત રહ્યા હતા અને ધર્મ પરંપરાગત મુજબ શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ગોંડલ
દશેરાના પાવન દિવસે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, ગોંડલ ખાતે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. શ્રી ક્ષત્રિય યુવા સંગઠન ગોંડલ દ્રારા શોભાયાત્રાનું આયોજન કરેલ જે ગોંડલની મુખ્ય બજારમાં રેલી સ્વરૂૂપે શોભાયાત્રા નીકળેલ હતી. કપુરીયા ચોકમાં આવેલ સર ભગવતસિંહજી તથા કોલેજ ચોકમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા હવા મહેલ ખાતે પહોંચેલ. આ પ્રસંગે મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, કુમારશ્રી જ્યોતિર્મયસિંહજી જાડેજા - હવા મહેલ ગોંડલ, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા, નગરપાલિકા ગોંડલ પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજરી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ, બ્રિજરાજસિંહ વાઘેલા મંત્રી તેમજ યુવક મંડળના કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
માધવપુર ઘેડ
પોરબંદર જિલ્લાના વડા જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દશેરા ના પાવન પર્વ નિમિત્તે આજરોજ માધવપુર પોલીસ પીએસઆઇ આર જી ચુડાસમા સાહેબ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને માધવરાયજીના કુળગોર જનકભાઈ પુરોહિત દ્વારા વિધિવાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું દશેરાના પાવન પર્વને હર સાલ ની જેમ આ સાલ પણ ઉજવણી કરાઈ
ઉપલેટા
ઉપલેટા ક્ષત્રિય સમાજ ના આગેવાનો વડીલો તેમજ યુવાનોએ શહેરના મુખ્ય માર્ગો પર સશસ્ત્ર સજ્જ થઈ બહોળા પ્રમાણમાં રેલી યોજી હતી. રેલી અંતર્ગત ઉપલેટામાં વસવાટ કરતા વિવિધ સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજની રેલીને અલગ અલગ ચોકે આવકારી ફુલહાર કરી તેઓનું સન્માન કરેલ હતું જ્યારે બાપુના બાવલા ચોક ખાતે લોહાણા સમાજના યુવાનો કોમલભાઈ કાછેલા જોની ભાઈ શ્રીજી વાસણ ભંડાર ક્ષત્રિય સમાજના આગેવાનોને હારતોરા કરતા નજરે ચડે છે અહીંના નાગનાથ ચોક ખાતે આવેલ ખીજડા શેરી ખાતે જઈ શસ્ત્રોનું વિધિવત પૂજન કરેલ હતું આવી જ રીતે આહીર સમાજ પણ દંત કથાઓમાં જાડા વરણ તરીકે ઉપસી આવે છે ત્યારે તેઓ પણ દિવસ રાત ઓજારો સામે લડતા હોય તેથી તેઓએ પણ આ દિવસને ધામધૂમથી મનાવવાનું નક્કી કરી આહિર સમાજની વાડી ખાતે આહિર સમાજના આગેવાનો તથા યુવાનોએ શસ્ત્રોનું પૂજન કરેલ હતું.
વેરાવળ
વેરાવળ સમસ્ત ગિરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિતે શસ્ત્રપૂજનનું આયોજન કરાયેલ હતું. આ દિને શસ્ત્રપૂજન કરી આસુરી શક્તિનો નાશ થાય અને સદાચારની સ્થાપના થાય એવી વિજ્યાદશમી પર્વની શસ્ત્રપૂજન નિમિતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
ગીર સોમનાથ
વિજયા દશમી પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ દ્વારા પોલીસ હેડ કવાટર ખાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પોલીસ દળના શસ્ત્રોનું પૂજન કર્યુ હતું. માં શક્તિ સત્યને હમેશા સર્વોપરી રાખવા પોલીસ દળને આશિર્વાદ આપે અને આ શસ્ત્રો સમાજમાં ન્યાય, વ્યવસ્થા અને શાંતિ કાયમ કરવા માટે માધ્યમ બને તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી આ વિજયાદશમીના પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને અને ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને શુભકામના પાઠવી હતી.
કેશોદ
કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે સામુહિક શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સનાતન ધર્મમાં શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેનું પુજન કરવામાં આવે છે અને દેવી દેવતાઓ આસુરી શક્તિનો નાશ કરવા શસ્ત્ર ધારણ કરી અધર્મનો નાશ કર્યો હતો. નવરાત્રીના નવલાં દિવસોમાં માતાજીની આરાધના કર્યા પછી દશેરાના દિવસે શસ્ત્રના આધારે અધર્મ પર ધર્મનો વિજય થયો હતો ત્યારે સનાતન ધર્મમાં ધર્મની રક્ષા, ગૌ- માતાની રક્ષા, બહેન દીકરીઓની રક્ષા, નબળાં અને શોષિત વ્યક્તિ પરિવારની રક્ષા કરવાની જવાબદારી રાજપૂત ક્ષત્રિય સમાજના શિરે છે એવા કેશોદ સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજન કરવામાં આવ્યું હતું. કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે યોજાયેલા શસ્ત્ર પુજન બાદ ઢોલ શરણાઈના તાલે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો દ્વારા માતાજીના સન્મુખ ચાચરના ચોકમાં રાસ રમી અધર્મ પર ધર્મના વિજયનો વિજયોત્સવ મનાવ્યો હતો.
ભાલકા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્હોળી સંખ્યામાં ભાઈઓએ હાજરી આપેલ હતી. આ તકે રાજપુત કરણી સેનાના ત્રણ તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલ હતી.