For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇદ-એ-મિલાદુન્નબીની ઉજવણી, સોમવારે શાનદાર જુલૂસ નીકળશે

04:20 PM Sep 14, 2024 IST | Bhumika
ઇદ એ મિલાદુન્નબીની ઉજવણી  સોમવારે શાનદાર જુલૂસ નીકળશે
Advertisement

શહેરભરમાંથી 2થી 2.5 લાખ જેટલા મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાશે: કાલે યૌમુન્ન નબી કમિટી દ્વારા પક્ષીઓને ચણ, ગાયો માટે ઘાસચારો, મધર ટેરેસા આશ્રમમાં જમણવાર, સિવિલ હોસ્પિ. ફ્રૂટ વિતરણ

રાજકોટ શહેર યૌમુન્ન નબી કમિટીના જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના સ્થાપક અને રહેમતુલ્લલીલ આલમીન કે જેમણે સમગ્ર વિશ્ર્વને શાંતિ, એકતા, ભાઇચારાની ભાવનાનો સંદેશો આપ્યો તે શાંતિદૂત ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ સલલ્લાહો અલયહી વસ્સલમના વિલાદત પર્વ એટલે કે જન્મદિવસ ઇદ-એ-મિલાદને દુનિયાભરના મુસ્લિમો શ્રધ્ધાપૂર્વક ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન, ભાઇચારાની ભાવનાથી કરવામાં આવનાર છે.
આ ઉપરાંત ઝુલૂસના આગલા દિવસે તા.1પ/9/2024ના સવારે યૌમુન્ન નબી કમિટી દ્વારા સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ, કબુતર તેમજ પક્ષીઓને ચણ, ગાયો માટે ઘાસચારો, મધર ટેરેસા આશ્રમમાં જમણવાર સહિતના કાર્યો કરી મુસ્લિમ સમાજ દ્વારા માનવતાની જયોત પ્રગટાવવામાં આવશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે તા.15/9/2024ને રવિવારે મોટી રાતના દિવસે શહેરની 42થી પણ વધુ મસ્જીદોમાં મોટી રાતની નમાઝ અદા કરવામાં આવશે. આ ઉપરાંત જેનું સૌથી વધુ મહત્વ છે તે હુઝૂરના બાલ મુબારકના દિદાર પણ કરવામાં આવશે. ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર આકા મહાન પથદર્શક તાજદારે મદીના આકાએ નામદાર મોહમ્મદ મુસ્તુફા સલલ્લાહો અલયહી વસ્સલમના વિલાદતના પર્વના મુબારક વધામણા કરવામાં આવશે.
આ ઉપરાંત 12 દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં યોજાયેલા વાએઝ-તકરીર (કથા)ના પ્રોગ્રામમાં મૌલાના-પેશઇમામ સાહેબો દ્વારા ઇસ્લામ શું છે, ઇસ્લામમાં આતંકવાદને કોઇ સ્થાન નથી, આતંકવાદનો કોઇ ધર્મ નથી. દેશ પ્રત્યે મોહબ્બત, દરેક ધર્મના લોકો સાથે ભાઇચારો, પાડોશીનો ધર્મ તેના જાહેર તકરીરો કરી મસ્જીદો અને વિસ્તારમાં દેશમાં શાંતિ, એકતા, ભાઇચારાની ભાવનાનો સંદેશાઓ પાઠવી દુઆ-એ-ખેર કરવામાં આવતી હોય છે.

સોમવારે સવારે 9 કલાકે વિવિધ વિસ્તારોમાંથી ઝુલૂસો નીકળી સવારે 10 કલાકે ત્રિકોણ બાગ ખાતે એકઠા થશે. શહેરના ઝુલૂસ દરમયિાન વિવિધ સ્થળોએ હિન્દુ-મુસ્લિમ સંસ્થાઓ દ્વારા ઝુલૂસનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવનાર છે. ઝુલૂસમાં મુસ્લિમ બિરાદરો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઉત્સાહભેર ઇસ્લામી લીબાશ એટલે કે સફેદ કપડાં, માથા પર અમામા શરીફ બાંધી હુઝૂરની આન, બાન અને શાનમાં વધારો થાય તે રીતે ઉમટી પડવા યૌમુન્ન નબી કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.સોમવારે સવારે પરાપીપળીયા, ઘંટેશ્ર્વર, બજરંગવાડી, મોચીનગર, રેલનગર, પોપટપરા, ભીસ્તીવાડ, ભોમેશ્ર્વર, હુડકો, પોલીસ હેડકવાર્ટર, રૂૂખડીયાપરા, મોચી બજાર, સદર બજાર, ચામડીયા ખાટકીવાસ, ભગવતીપરા, મુસ્લીમ લાઇન, આ બધા વિસ્તારના ઝુલૂસો ફૂલછાબ ચોક ખાતે ભેગા થઇને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીઆઇ ચોકથી ત્રિકોણ બાગ પહોંચશે.

આ ઉપરાંત કોઠારીયા સોલવન્ટ, મહંમદીબાગ, નુરાનીપરા, રસુલપરા, પીરવાડી, જંગલેશ્ર્વર, દુધની ડેરી, રામનાથપરા, મનહરપરા, માજોઠીનગર, ઘાંચીવાડ, જિલ્લા ગાર્ડન, થોરાળા સહિતના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા ઝુલૂસ ત્રિકોણબાગ ખાતે એકઠા થઇ શહેરી વિસ્તારના ઝુલૂસમાં સામેલ થઇ વિરાટ ઝુલૂસમાં પરિવર્તીત થશે. ત્યારબાદ તમામ ઝુલૂસો ઢેબર રોડ વન એ-ડીવીઝન પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઇ નાગરીક બેંક ચોક, મોચી બજાર, ખટારા સ્ટેન્ડ થઇને રેલવે જંકશન થઇને હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે સલાતો-સલામ સાથે વિર્સજન થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement