CBSEની ભૂલ : ધો-10 ગુજરાતીના પેપરમાં બહારના પ્રશ્ર્નો પૂછાયા
- 22 જેટલા ગુણમાં છબરડો : બોર્ડને જાણ કરાઈ ; છાત્રો 58 માર્કનું જ લખી શક્યા
સીબીએસસી દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. ધો-10ના ગુજરાતીના પેપરમાં 22 ગુણનો છબરડો સામે આવ્યો છે. અભ્યાસક્રમની બહારના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. આ અંગે સેન્ટરના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા સેન્ટ્રલ બોર્ડને જાણકારી આપવામાં આવી છે. બોર્ડ દ્વારા તપાસ કરી બાદમાં નિર્ણય લેવા જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, CBSEબોર્ડની પરીક્ષઆ 15 ફેબ્રુઆરીના રોજથી શરૂૂ થઈ છે. જેમાં મંગળવારના રોજ ધો.10ના વિદ્યાર્થીઓનું ભાષાનું પેપર હતું. સવારે 10-30 વાગ્યાથી 1-30 વાગ્યા દરમિયાન ઉર્દુ, બંગાળી, તમિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, મણીપુરી, ફ્રેંચ ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મંગળવારે ગુજરાતી વિષયની પરીક્ષા હતી. જોકે, પેપર હાથમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતા. પ્રશ્નપત્રમાં 80 ગુણના પ્રશ્નોમાંથી 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી.
ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં અમુક પ્રકરણ હાલના અભ્યાસક્રમમાં નથી, તેમ છતાં તે અંગેના પ્રશ્નો પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યા હતા. સમગ્ર પેપર વિદ્યાર્થીઓએ ચેક કરતા એક બે નહીં, પરંતુ કુલ 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હોવાનું સામે આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક ખંડ નિરીક્ષકને આ અંગેની જાણ કરતા તેમણે સેન્ટરના સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી હતી. જેથી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે સમગ્ર મુદ્દે CBSEબોર્ડને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેથી હવે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં વિષય નિષ્ણાત પાસે ચકાસણી કરાવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રશ્નપત્રમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછવામાં આવ્યા હોવાનું જણાતા મોટાભાગના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોના જવાબોની જગ્યા ખાલી મુકી દીધી હતી. આમ, 80 ગુણના બદલે વિદ્યાર્થીઓ માત્ર 58 ગુણનું પ્રશ્નપત્ર લખીને બહાર નિકળ્યા હતા. જેથી હવે બોર્ડ દ્વારા ચકાસણી બાદ જો પ્રશ્નપત્રમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના જણાઈ આવશે તો 58 ગુણના પેપરમાંથી મેળવેલા ગુણને 80 ગુણમાં રૂૂપાંતરિત કરીને ગુણ આપવામાં આવે તેવી શક્યતા છે.