અગ્નિકાંડમાં પડદા પાછળના આરોપીઓને પકડો
ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ સીબીઆઈને સોંપો
ગુજરાતમાં તક્ષશિલા કાંડ, હરણી બોટ કાંડ, ઝુલતા પુલ કાંડ, ટીઆરપી અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાકરીયા રાઈડ કાંડ જેવા અનેક કાંડો સર્જાયા છે જેમાં ભ્રષ્ટાચાર બનાવ પાછળ કારણભૂત હોવાનું સાબિત થયું છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે સીબીઆઈના પ્રમાણિક ઓફિસરોને સોંપવામાં આવે અને જવાબદારોને કડક સજા થાય તેમજ આ સંબંધે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસની એક કમીટી બનાવી તેને તાત્કાલીક રિપોર્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને સહાય પેટે 50 લાખની માંગણી
ગુજરાતમાં અવારનવાર જુદા જુદા કાંડો સર્જાઈ રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે આવા બનાવો સંદર્ભે આપેલા ચુકાદાને ધ્યાને લઈ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય પેટે 50 લાખ રૂપિયા જેવું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને આવા બનાવોમાં સંડોવાયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરી તે મિલકતમાંથી પણ પીડિતોને 50 લાખ જેવી સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
બે પીડિત પરિવાર અને એક આરોપીના સ્વજનો રજૂઆતમાં જોડાયા નહીં
ટીઆરપી અગ્નિકાંડમાં આજે 24 મૃતકોના પરિવારજનોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે જો કે આ અગ્નિકાંડમાં 27 વ્યક્તિઓ મોતને ભેટયા છે ત્યારે આ અગ્નિકાંડમાં એક નેપાળી યુવકનું મૃત્યુ થયું હોય જેના પરિવારજનો હાલ નેપાળ ગયા છે જ્યારે અન્ય એક યુવકનું મૃત્યુ થયું હોય જેના પરિવારજનો વિધી માટે હરિદ્વાર ગયા છે જેથી તેઓ આ રજૂઆતમાં જોડાઈ શકયા ન હતાં. જ્યારે આ અગ્નિકાંડમાં ગેમઝોનનો સંચાલક પ્રતાપ જૈન જે આરોપી છે તેનું પણ મૃત્યુ થયું હોય તેના સ્વજનો આ રજૂઆતમાં જોડાયા ન હતાં.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની આગેવાનીમાં કમિટી નીમી છ માસમાં તપાસ પૂર્ણ કરાવવા માગણી
રાજકોટના નાનામવા નજીક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા આજે 27 હતભાગીઓમાંથી 24 હતભાગીઓના પરિવારજનો ગાંધીનગર ખાતે ધસી જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં ટીઆરપી અગ્નિકાંડમાં પડદા પાછળના તમામ આરોપીઓની ધરપકડ કરો તેમજ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નિવૃત્ત જજોની બે દિવસમાં કમીટી બનાવી તપાસ કરાવો તેવી માંગણી કરવામાં આવી છે. પીડિત પરિવારો બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતાં અને પોતાની વ્યથા-વેદના તેમની સમક્ષ વર્ણવી જણાવ્યું હતું કે છ માસમાં જવાબદારો સામે પગલાં નહીં ભરાઈ તો રાજકોટથી ગાંધીનગર સુધીની પદયાત્રા કાઢવામાં આવશે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તમામ પીડિતોને સાંભળ્યા બાદ આસ્વાશન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ જવાબદારને છોડવામાં આવશે નહીં સરકાર પીડિતો સાથે જ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે મુખ્યમંત્રી તમામ પીડિતોની વેદના સારી રીતે સમજી શકે છે તેમનો પુત્ર પણ એક સમયે હોસ્પિટલમાં હતો તેથી તમારી પીડાથી તેઓ સુપેરે વાકેફ છે.
રાજકોટના નાનામવા નજીક ગત તા.25-5-2024ના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 વ્યક્તિઓ ભળીને ભળથુ થઈ ગયા છે જેની તપાસ હજુ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પડદા પાછળના એક પણ મોટા માથાઓની કે ભાજપના પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી નથી જેની સામે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓમાંથી 24 પીડિત પરિવારો કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર પ્રમુખ મુકેશ દોશીની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી હતી.
પીડિત પરિવારો દ્વારા વડાપ્રધાન -મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડમાં સુપ્રીમકોર્ટના બે નિવૃત્ત જસ્ટીસ, હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ, હાઈકોર્ટના ત્રણ ન્યાયધીશ અને એક મહિલા સિવિલ જજની બે દિવસમાં કમીટી બનાવી તપાસ કરાવા માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગેમઝોન અગ્નિકાંડ સંદર્ભે ચાલી રહેલી તપાસમાં જે સીટ બનાવવામાં આવી છે તેમાં આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિલીપ્ત રાય જેવા પ્રમાણીક અધિકારીઓમાંથી બે અધિકારીઓની સીટમાં નિમણુંક કરવામાં આવે આ ઉપરાંત આ દુર્ઘટનાની છ માસમાં ટ્રાયલ પુરી કરી આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. ભગવાન શ્રી રામે જણાવેલ કે જો પ્રજાને ન્યાય મળવામાં દેરી થશે તો તે અન્યાય થઈ જાય છે અને કયારેક તેનું પરિણામ ભયંકર આવે છે. આ ઉપરાંત અગ્નિકાંડમાં ચાલુ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના બીજા કોઈપણ નેતાની મીલીભગત કે ભાગીદારી બહાર આવે તો તેઓની ધરપકડ કરો અને તેમની સામે એસીબી અને સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે.
રહેણાંક વિસ્તારમાં ગેમઝોન ચલાવવા જે કોઈ અધિકારીઓની ભાગીદારી હોય કે એનઓસી આપનાર અધિકારીની મીલીભગત હોય તો તેઓની ધરપકડ કરવા તેમજ ટીઆરપી ગેમઝોનમાં અગાઉ જે આઈપીએસ અધિકારીના જન્મદિવસની પાર્ટી 22-3-2022ના યોજાઈ હતી. જેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે આવા અધિકારીઓની જવાબદારી ફીકસ કરી તેઓની સામે પણ સીબીઆઈ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
આવા હત્યાકાંડ વારંવાર બની રહ્યાં છે તેથી ભારતીય ન્યાય સહિતાની કલમ 105,106 હેઠળ મૃત્યુ દંડ કે ફાંસીની સજા સુધીની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં સુધારો કરી સંસદના ચોમાસુ સત્રમાં જ સુધારો લાગુ કરવા માંગણી કરવામાં આવી છે.
પીડિત પરિવારોની સાથે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટના સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો સાથે રહ્યા હતાં અને મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી હતી.
રાહુલ ગાંધી પીડિતોને મળ્યા બાદ ભાજપ દોડતું થયું
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીતોને ગત સપ્તાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે મળી ન્યાય અપાવવાની ખાત્રી આપ્યા બાદ સ્થાનિક ભાજપના આગેવાનોને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. અને આજે 24 પીડીત પરિવારને સ્થાનિક ભાજપના હોદેદારો સાથે લઈ ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.