મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું
રૂા.પાંચ લાખની રોકડ, 8 મોબાઇલ અને 1 પિસ્તોલ મળી આવી, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી
મોરબીના લિલાપર કેનાલ રોડ પર કોઈ કારણસર કિયા કંપનીની કારમાં આગ લાગી હતી. આગમાં સિરામિક ઉદ્યોગપતિનું મોત નિપજ્યું હતું. ફાયર વિભાગ દ્વારા પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ પાસે જ બપોરના સમયે કિયા સેલટોસ કાર અચાનક ભડભડ સળગી ઉઠતા કારમાં સવાર કાર ચાલકનું સળગી જતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ નજીક આજે બપોરના સમયે એક કિયા સેલટોસ કાર સળગી ઉઠતા કારમાં બેઠેલા કાર ચાલક અજયભાઈ નાનજીભાઈ ગોપાણી (ઉ.વ.39) અચાનક આગ બાદ બહાર ન નીકળી શકતા કાર તેમનું ઘટના સ્થળે જ સળગી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ બનાવ સ્થળે દોડી ગયું હતું અને બનાવ અંગે મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ અજયભાઇનો મૃતદેહ 108માં મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. કાર અંદરથી મોરબી ફાયર બ્રિગેડની ટીમે પાંચ લાખ રૂપિયા રોકડા, 8 મોબાઇલ, મોંઘી ઘડીયાળ, નાની મોટી ચીજવસ્તુઓ, સોનાની વીટી અને એક પિસ્તોલ સહિતની વસ્તુઓ તેમના મૃતક અજયભાઇના પિતરાઇ ભાઇને સોંપવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી છે તે જાણવા મળ્યું નથી. સ્થાનિક અધિકારીઓ મારફતે જાણવા મળી રહ્યું હતુ કે, જ્યારે કારમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે અજયભાઇનો મૃતદેહ બહાર કાઢવા કારના કાચ તોડ્યા હતા. પરંતુ તેમનો મૃતદેહ જ બહાર કાઢ્યો હતો. મૃતક વેપારી હોવાનું જાણવા મળી રહ્યું છે.