સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ, કાલે કતલની રાત
મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો-ઉમેદવારો દ્વારા ગુપ્ત બેઠકોનો દોર: રવિવારે મતદાનની છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા મથામણ; મંગળવારે રિઝલ્ટ
જૂનાગઢ મનપા સહીત રાજ્યની 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની રવિવારે યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે આજે સાંજથી પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. મતદાન પૂર્વેની રાત્રીની કતલની રાત ગણવામાં આવતી હોય છે. જેમાં રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો મતદારોને મનાવવા માટે રીતસર એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. લોકસંપર્ક અને પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ હવે ગુપ્ત બેઠકોનો ધમધમાટ જામશે. જેમાં આવતીકાલ સાંજ સુધી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવશે. હરીફોના પરંપરાગત મત તોડવા માટે મતદારોને યાત્રા પ્રવાસે પણ મોકલી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રવિવારે મતદાન બાદ તા 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ પ્રચારના ભૂંગળા શાંત કરી દેવાના હોય છે. આવામાં આજે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ જશે. હવે રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ સોસાયટીના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠકોનો દૌર શરૂૂ કરવા ગોઠવણી થઇ રહી છે. ગરીબ વિસ્તારોમાં મતદારોને પૈસા આપી પોતાની તરફ ખેંચી લેવાના પણ પ્રયાસો થશે.
સામાન્ય રીતે મતદાન પૂર્વેની જે રાત હોય તેને રાજકીય આકાઓ કતલની રાત ગણાવતા હોય છે અને આ રાત્રી દરમિયાન શક્ય તેટલા મતદારોને શામ, દામ, દંડ કે ભેદની નીતિ અખત્યાર કરી પોતાની તરફ આકર્ષી લેવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે.
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારજીતનું અંતર ખુબજ નજીવું હોય છે. આવામાં 50 કે 100 મતદારો પણ આમ તેમ થાય તો તેની અસર પરિણામો પણ પડી શકે છે. આવામાં દરેક રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર પોતાના કમીટેડ મનાતા મતદારોને જાળવી રાખવા માટે સતત સક્રિય રહેતા હોય છે. ક્યાં વિસ્તારમાં કેવો માહોલ છે અને આ માહોલ પોતાની તરફ કેવી રીતે કરી શકાય તેના પ્રયાસો કતલની રાત દરમિયાન કરવામાં આવતા હોય છે.
ગઈકાલે સાંજે પ્રચારના ભુંગળા શાંત થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ગુપ્ત બેઠકોનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં જે વોર્ડમાં સૌથી વધુ વસ્તી ધરાવતા હોય તેવા જ્ઞાતિના આગેવાનો અને મોભીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે. જે વિસ્તાર ગરીબ છે અને ત્યાં પૈસા વેરી મતદારોને પોતાની તરફ ખેંચી શકાય છે ત્યાં દામનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અમુક પરંપરાગત મતો મળે તેમ ન હોય તેવામાં હરીફોના મતો તોડવા આવા પરંપરાગત મતદારોને જાણી જોઈને મતદાનના દિવસે યાત્રામાં મોકલી દેવામાં આવે છે.
દૂરના પોલિંગ બૂથ પર હાજર થયેલ કર્મચારીને બીજા દિવસે સવેતન રજા
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પુરૂૂ થયા બાદ રીસિવિંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા પંહોચતા હોય છે.આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને અને તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવી મુશ્કેલી રહે તે બાબત ધ્યાને લઈ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર રહી ન શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનુ રહેશે નહી તે મુજબ રાજય ચૂંટણી આયોગે નિર્ણય લીધેલ છે. જયાં પુન:મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ ઉપર્યુકત સૂચનાઓ લાગુ પડશે.આ સમયગાળા માટે કોઈ વધારાનુ ભથ્થુ આકારી શકાશે નહી તેમ સચિવ, રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.