નવરાત્રીમાં કોઈ છેડતી કરે તો 181માં ફોન કરજો; DCP પૂજા યાદવ
અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવા મહિલા પોલીસની 16 ટીમ તૈનાત રખાશે
ટ્રેડિશનલ અને ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી ટપોરિયોને પકડશે
નવરાત્રીનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં ગરબા રસિકો ગરબે ઘુમવા તૈયાર થયા છે ત્યારે મહિલા અને યુવતીઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસે પણ એકશન પ્લાન બનાવ્યો છે. નવરાત્રી દરમિયાન અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે રાજકોટની મહિલા પોલીસ અને શી-ટીમ સજ્જ થઈ ગઈ છે. ટ્રેડીશનલ અને ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસની 16 ટીમ પેટ્રોલીંગ કરશે અને ગરબા ગ્રાઉન્ડમાં ચેકીંગ કરી ટપોરીઓને પકડીને તેની શાન ઠેકાણે લાવશે. મહિલાઓને પોલીસે કોઈ છેડતી કરે તો 181માં ફોન કરવા અપીલ કરી છે.
આ અંગે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસની શી-ટીમની જવાબદારી મહિલા આઈપીએસ અધિકારી ટ્રાફીક શાખાના ડીસીપી પૂજા યાદવને સોંપાઈ છે. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ટી.અકબરી સાથે સમગ્ર મહિલા પોલીસની ટીમ રાજકોટ શહેરમાં નવ દિવસ સુધી ગરબા ગ્રાઉન્ડમાં તૈનાત રહેશે.
આ અંગે ડીસીપી પૂજા યાદવે જણાવ્યું કે નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ મહિલા પોલીસની શી-ટીમ પેટ્રોલીંગ કરશે અને ટ્રેડીશનલ તેમજ ખાનગી ડ્રેસમાં અલગ અલગ ગરબાની મુલાકાત લઈ સરપ્રાઈઝ ચેકીંગ કરશે.
દરેક પોલીસ સ્ટેશન દીઠ એક શી-ટીમ અને મહિલા પોલીસની ચાર ટીમ કાર્યરત રહેશે એમ કુલ 16 ટીમને મહિલા અને યુવતીઓ અને બાળકોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
ડીસીપી પૂજા યાદવે મહિલા અને યુવતીઓની સુરક્ષાને ધ્યાને લઈ રાજકોટ પોલીસ વતી એક પહેલ કરી છે જેમાં તેણે જણાવ્યું કે કોઈપણ ગરબા સ્થળે કે શહેરના કોઈપણ વિસ્તારમાં મહિલાઓની છેડતી કે પજવણી કરતાં તત્વો સામે તાત્કાલીક 181 ઉપર ફોન કરીને ફરિયાદ કરશે તો તે સ્થળે તાત્કાલીક મહિલા પોલીસની ટીમ પહોંચશે અને આવા ટપોરીઓની શાન ઠેકાણે લાવશે.
રાજકોટ શહેરમાં યોજાતા અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવમાં મહિલા પોલીસની આ 16 ટીમને અલગ અલગ વિસ્તાર વાઈઝ જવાબદારી સોંપવામાં આવી છે.નવરાત્રી દરમિયાન શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થઈ શકે તે માટે રાજકોટ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હંમશા તૈયાર છે અને મહિલાઓને પણ કોઈપણ જાતના ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
ગરબામાં રોમિયોગીરી કરતાં તત્ત્વોને કઈ રીતે પકડવા : શીટીમે કર્યુ રીહસર્લ
શહેરના અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવમાં નવરાત્રિ દરમિયાન મહિલા પોલીસની અને શી-ટીમને તૈનાત રાખવામાં આવશે અને 16 ટીમ ગરબાની મુલાકાત લેશે અને સરપ્રાઈઝ ચેકીંગ કરશે. ગરબા ગ્રાઉન્ડમાં રોમીયોગીરી કરતાં કે છેડતી કરતાં તત્વોને કઈ રીતે પકડવા તેને લઈને મહિલા પોલીસે એક રિહસર્લ પણ કર્યુ હતું. જેમાં ટ્રેડીશનલ ડ્રેસમાં મહિલા પોલીસની ટીમ એક અર્વાચીન રાસોત્સવમાં પહોંચી હતી અને ચેકીંગ કરીને ગરબા ગ્રાઉન્ડમાંથી કેટલાક અસામાજિક તત્વોને પકડીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. આ રીતે પોલીસે સમગ્ર બંદોબસ્ત અને ચેકીંગનું રિહર્સલ પણ કર્યુ હતું અને અર્વાચીન રાસોત્સવના સ્ટેજ ઉપરથી મહિલાઓને તેમની સુરક્ષા માટેની કેટલીક મહત્વની સુચનાઓ પણ શી-ટીમે આપી હતી.
વીજલાઈનની નીચે પાર્કિંગ કે કેન્ટિનની વ્યવસ્થા કરવી નહીં
નવરાત્રી દરમિયાન શોર્ટ સર્કીટના બનાવો કે કોઈ દુર્ઘટના ન બને તે માટે આયોજકોને કેટલીક બાબતો ઉપર તકેદારી રાખવા વીજ તંત્રએ સુચના આપી છે જેમાં નવરાત્રી દરમિયાન 66 કે.વી., 132 કે.વી., સહિતની હેવી વીજ લાઈન કે જે શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે તેવા સ્થળે સલામતીના ભાગરૂપે નવરાત્રીનાં તહેવારો દરમિયાન બેનર કે પોસ્ટરો વીજપોલ સાથે નહીં બાંધવા તેમજ આયોજકોએ આયોજન સ્થળે જગ્યાનો સર્વે કરી સંબંધીત વીજ કચેરીને જાણ કરવી જો નજીકથી વીજલાઈન પસાર થતી હોય તો તે વિજલાઈનની ઉંચાઈ ખરાઈ કરી તેને અનુરૂપ ડોમ અને મંડપની વ્યવસ્થા કરવી. તેમજ નવરાત્રી દરમિયાન ખાણી પીણીના સ્ટોલ અને પાર્કિંગની વ્યવસ્થા વીજ લાઈનની નીચે કરવી નહીં તેમજ વીજલાઈનના ઈંડકશન ઝોનમાં આવવાથી પ્રાણઘાતક કે બીન પ્રાણઘાતક અકસ્માતની સંભાવના હોય સલામતીના ભાગરૂપે તકેદારી રાખવી.