એરપોર્ટ બહાર પેસેન્જર લેવા બાબતે કેબ અને ખાનગી ટેકસી ચાલકો વચ્ચે માથાકુટ
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બહાર પેસેન્જર લેવા બાબતે ખાનગી કંપનીના કેબ ચાલકો અને ખાનગી ટ્રાવેલ્સ અને ટેકસી ચાલકો વચ્ચે માથાકુટ ચાલતી હોય અવારનવાર આ મામલે પોલીસમાં અરજી પણ કરવામાં આવે છે. બે દિવસ પૂર્વેની ઘટનાનો વિડિયો વાયરલ થયો ત્યારે આ ઘટનાને લઈને ખાનગી ટેકસી ચાલકો દ્વારા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી બે મહિલા અને બઝ-વે કંપનીના ચાલક સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર સમક્ષ માંગ કફરવામાં આવી છે.
શહેરના મવડી પ્લોટમાં રહેતા જયદીપભાઈ હરેશભાઈ અસ્વાર સહિતના ખાનગી ટ્રાવેલ્સ અને ટેકસીના ડ્રાયવરો દ્વારા પોલીસ કમિશ્નરને કરેલી રજૂઆતમાં બઝ-વે કંપનીના ડ્રાયવર વિક્રમસિંહ તથા બામણબોરની મહિલા સકુંતલાબેન, પરમીલાબેન રાયજાદાનું નામ આપ્યું છે. ટેકસીમાં મુસાફરો બેસાડવા બાબતે અવાર નવાર ખાનગી કંપનીના કેબ ચાલકો માથાકુટ કરતાં હોય અને આ મામલે અગાઉ કુવાડવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કર્યા છતાં આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટેકસી એસોસીએશન દ્વારા કેબ ચાલકોની દાદાગીરી મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ પોલીસ કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.