લોકસભા સાથે જ પોરબંદર-વિસાવદર સહિત ધારાસભાની 5 બેઠકોની પેટાચૂંટણી
- ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ પક્ષપલટાના કારણે ખાલી પડેલી વિધાનસભાની પાંચ બેઠકો ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડીયા અને પોરબંદરની પેટાચૂંટણીઓ યોજવા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી લોકસભાની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી બેઠકો ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની વિધાનસભાની ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપર રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયાં હતા. આવી જ રીતે વિજાપુર બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા, વિસાવદર બેઠક ઉપર અપક્ષ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. અને છેલ્લે ગઇકાલે પોરબંદરમાંથી અર્જુનભાઇ મોઢવાડીએ રાજીનામુ આપ્યુ હતું. જે બાદ ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો ખાલી છે જેની ઉપર પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેથી રાજકીય આગેવાનો એવુ માની રહ્યાં છે કે, ગુજરાતમાં લોકસભાની સાથે ચારેય બેઠક ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી શકયતા છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ઉપર ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. ભાજપાએ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જ્યારે આગામી 11 ઉમેદવારોના નામ બાકી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. કોંગ્રેસમાં આગામી દિવસોમાં નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.