વેપારીને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવ્યા: બે મહિલા સહિત સાતની ગેંગ ઝડપાઈ
- સોશિયલ મીડિયામાં વેપારીને ‘હાઈ’નો મેસેજ કરી વાતચીત શરૂ કરી : રાજકોટ સાથે લઈ જવાનું કહી રસ્તામાં ગુનાને અંજામ આપ્યો: બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાનું કહી પૈસા પડાવ્યા : 5.65 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લામાં હનીટ્રેપના બનાવો વધી રહ્યાં છે ત્યારે 15 દિવસ પહેલા સોશ્યલ મીડિયા થકી મહિલાના પરિચયમાં આવેલા જસદણનાં વેપારીને મહિલાને રાજકોટ સુધી લીફટ આપ્યા બાદ રસ્તામાં કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીને માર મારી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી આંગડીયા મારફતે ત્રણ લાખ મંગાવી પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખી બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી 5.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં ચિતલીયાકૂવા રોડ પર આદ્યાશક્તિ રોડ પર રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં તુલસી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતાં વેપારી કલ્પેશભાઈ જયંતિભાઈ કાનાણી (ઉ.38) નામના પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા અને બીજા ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 27-2-2024નાં ફરિયાદી જસદણનાં લાતી પ્લોટ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં હતાં ત્યારે તેમના મોબાઈલમાં સોશ્યલ મીડિયા પર ‘હાય’નો મેસેજ આવ્યો હતો જેનો ફરિયાદીએ ‘હાય’ લખી રિપ્લાય આપ્યો હતો. બાદમાં કેમ છો તેમ કહેલ આ વખતે ફરિયાદીએ મેસેજ કરનાર યુવતીએ પોતાની ઓળખ કાજલ પાનસુરીયા તરીકે આપી હતી. વેપારીએ ફેક આઈડી હોવાનું કહેતા યુવતીએ વિડિયો કોલ કર્યો હતો.
ત્યારબાદ બીજા દિવસે ફરી વેપારીને વોટસએપમાં ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો હતો અને બપોરે દોઢેક વાગ્યે વેપારી કામસર રાજકોટ જવાના હોય તેઓ જવાબ આપતાં યુવતીએ હું બોટાદથી નીકળું છું મને રાજકોટ લેતા જાઉ તેવી વાત કરી હતી. ત્યારબાદ જસદણ જુના બસ સ્ટેશન પાસે વેપારી યુવતી અને તેની સાથે રહેલા એક બાળકને પોતાની કારમાં બેસાડી રાજકોટ જવા નીકળ્યા હતાં.ત્રંબા નજીક વેપારીની કાર પહોંચી ત્યારે પાછળથી કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીને રોકી આ મહિલા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ છે અને તું ફેરવે છે તેમ કહી ચારેય શખ્સોએ વેપારીને માર મારવા લાગ્યા હતાં અને બાદમાં તેણે તેની જ ગાડીમાં પાછળની સીટ પર બેસાડી ત્રણ શખ્સો રાજકોટ તરફ લઈ ગયા હતાં. રસ્તામાં ‘જો તારે જેલમાં જવું ન હોય તો પાંચ લાખ આપી દે નહીંતર બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેશું’ તેવી ધમકી આપી હતી.
સમાજમાં આબરૂ ધરાવતાં અને વેપાર ધંધો કરતાં વેપારીએ આબરૂ જવાની બીકે ત્રણ લાખ રૂપિયા આપવાની હા પાડી દીધી હતી અને મિત્ર પાસે 3 લાખ રૂપિયા રાજકોટ આંગળીયા મારફત મંગાવી વેપારીએ ત્રણ લાખ આરોપીઓને આપી દીધા હતાં. બાદમાં આ બનાવ અંગે ભાઈ સાથે વાતચીત કર્યા બાદ ગઈકાલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અંગે જસદણ પોલીસે પૂર્વયોજિત કાવતરું રચી વેપારી પાસેથી બળજબરીથી ત્રણ લાખ પડાવી લીવા અંગેનો ગુનો નોંધી રૂરલ એલસીબી અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરતાં પોલીસને મહત્વની કડી મળી હતી. જેના આધારે જસદણનાં મફતીયાપરામાં રહેતા જયપાલ જગદીશ આલ (ઉ.22) રાજકોટનાં માંડાડુંગર પાસે રહેતા ઈમીટેશનના કારીગર અતુલ વલ્લભભાઈ સદાદીયા (ઉ.32), બોટાદના કિસ્મત કાળુભાઈ ધાંધળ (ઉ.31), જસદણનાં અશોક મોતીભાઈ આલ (ઉ.32) અને રાજકોટનાં કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા મહિપતસિંહ ભુપતસિંહ ગોહિલ (ઉ.33) તેમજ બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગના સાતેય શખ્સો પાસેથી ભાગે પાડી લીધેલા 2.30 લાખની રોકડ, 35 હજારના સાત મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર મળી કુલ 5.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા અને સ્ટાફના માણસોએ કર્યો હતો.
વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગે અન્ય ગુના પણ આચર્યાની આશંકા
જસદણનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાના ધમકી આપી 3 લાખ પડાવનાર રાજકોટ-જસદણ અને બોટાદનાં બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે ત્યારે આ ગેંગે અન્ય કોઈ વેપારીને પણ હનીટ્રેપમાં ફસાવ્યાની શંકાએ રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આ તમામ આરોપીઓની ભોગ બનનાર વેપારી પાસે ઓળખ પરેડ કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.