વાણિયાવાડીમાંથી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના વાણીયાવાડીમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મોબાઈલમાં આઈડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર કોઠારિયાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્સ. દિપક ડાંગર, ઉમેશ ચાવડા, સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન વાણિયાવાડી મેઈન રોડ ઉપર એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન આઈડી પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કોઠારિયા ગામે રહેતા વેપારી અશ્ર્વિન જીવરાજભાઈ કિયાડાને ઝડપી પાડી તેના મોબાઈલની તલાશી લેતા હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટ્વેન્ટી-ટ્વતેન્ટી સીરીઝની ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગોલ્ડન એક્સચેન્જ નામની આઈડી ઉપર સટ્ટો રમતો હોવાનું જણાઈ આવતા પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા વેપારી શખ્સની પુછપરછ કરતા આ આઈડી તેને કોઠારિયા ગામે રહેતા જયેશ ઉર્ફે ચીક્રો સીદપરાએ આપી હોવાની કબુલાત આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આઈડી આપનારની શોધખોળ હાથ ધરી છે.