પાવાગઢથી બાવળા જતી બસ ભીષણ આગમાં ખાખ
નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભુમેલ નજીક રેલવે બ્રિજ પર ગત મોડી રાત્રે એક પ્રાઇવેટ લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું. મળતી માહિતી પ્રમાણે, ભુમેલ રેલવે બ્રિજ પર ગત મોડી રાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જોકે, આ સમયે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દીધા હતા.
જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ પણ અકબંધ છે, પરંતુ આગ લાગવાથી સમગ્ર લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.