મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર ગોતામાં આવેલી અંબિકા દાલવડાની દુકાનના માલિકના 10 વર્ષીય પુત્રનો હાથ કપાયો છે, જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થતાં તેમને રાજસંમદ રિફર કરવામાં આવ્યા છે. બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી છે. આ અકસ્માત બુધવારે રાતે 12:15 વાગ્યે સર્જાયો હોવાની જાણકારી છે.
રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લાના ચારભુજામાં મેવાડ-મારવાડ બોર્ડર પર માર્ગ અકસ્માત થયો હતો. વાસ્તવમાં મોડી રાત્રે પ્રયાગરાજથી સાંડેરાવ તરફ આવી રહેલી એક ખાનગી બસ બેકાબુ થઈ ગઈ અને પલટી ગઈ. બસ પલટી જવાના કારણે અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. જેના કારણે રોડની બંને બાજુ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ દેસુરી પોલીસ સ્ટેશનના ઘટના સ્થળે પહોંચ્યા અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ ગયા.
આ મામલે ચારભુજા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ રત્નુએ કહ્યું કે દેસુરી કી નાલ વિસ્તારમાં આવેલી ઘાટીમાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ બસ કેમ અને કેવી રીતે પલટી ગઈ તેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 21 લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.
અકસ્માત બાદ પ્રશાસને ટ્રેક્ટર, જેસીબી અને ક્રેનની મદદથી બસના આગળના કાચ તોડીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બસના પાછળના ભાગમાં 14 વર્ષનો બાળક ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેને સુરક્ષિત બહાર કાઢવા પોલીસ અને રેસ્ક્યુ ટીમે અડધો કલાકની જહેમત બાદ બસના ભાગને તોડીને બાળકને બહાર કાઢ્યો હતો.
અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાળવડાં નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમનાં પરિવારજનો બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા. બસમાં સવાર તમામ 48 યાત્રિક તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ લોકો ઊઁઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.