ચેમ્બરમાં ચલકચલાણું : પાંચ વર્ષ સુધી કબજાનું ભાણું
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બંધારણમાં ફેરફાર કરી અને સત્તાધારી બોડીની મુદત અંતે પાંચ વર્ષ સુધી લંબાવી દેવામાં આવી છે. અંત સુધી સભ્યોથી આ માહિતી અંગે ગલ્લા તલ્લા કરી અને સામાન્ય સભામાં બુધ્ધીપૂર્વકનો પ્રસ્તાવ રજુ કરાવી અને સર્વાનુમતે પાંચ વર્ષની મુદતને તમામની મ્હોર મારી દીધી હતી.
70 વર્ષથી રજીસ્ટ્રેશન ન હોવાથી રાજકોટ ચેમ્બરના નવા બિલ્ડીંગ અને દાન માટે કેટલીક અડચણ આવતી હોય તેના માટે હવે ચેમ્બરની રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં કેટલાક ફેરફારો બંધારણમાં જરૂરી હોય રાજકોટ ચેમ્બર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા હતાં અને તે અંતર્ગત સત્તાધારી બોડીની સમયમર્યાદા પણ વધારવામાં આવી હતી અને પાંચ વર્ષ કરવામાં આવી છે.
તાજેતરમાં જ સામાન્ય સભાના એજન્ડા તમામ સભ્યોને આપવામાં આવ્યા હતાં. જેમાં એક મુદ્દો બંધારણ બદલાવવા અને સત્તાધારી બોડીની સત્તા પાંચ વર્ષ કરવાની વાતને લઈને મહાજન સંસ્થાના કેટલાક સભ્યો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે વિરોધને વર્તમાન સત્તાધારી બોડી દ્વારા અફવા ગણવામાં આવી હતી અને હિતશત્રુઓ દ્વારા આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું સતત રટણ કરવામાં આવ્યું હતું અને સભામાં અંતે ચેમ્બરના સત્તાધીશો દ્વારા 2.5 વર્ષના બદલે 5 વર્ષની આવેલી દરખાસ્તને સર્વાનુમતે મંજુર કરાવી સત્તાની ડોર પોતાના હાથમાં રાખી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સૌથી ઓછી ગણાતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ સત્તાધારી બોડીની સત્તાની સમય મર્યાદા ત્રણ વર્ષની જ રાખવામાં આવી છે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પાંચ વર્ષનો નિયમ બનાવી નવો ચીલો કેમ પાડયો હશે ? તેવા સવાલો પણ ચેમ્બર સાથે સંકળાયેલા વેપારી સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે. ચેમ્બરમાં છેલ્લા ઘણા સમયથી ચલક ચલાણા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સંસ્થામાં ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવી ચુકી છે અને સભ્યો દ્વારા બળાપો કાઢવામાં આવતો હોય છે. અગાઉના પ્રમુખો અને સત્તાધારી બોડી પાસેથી સત્તા આંચકી લેવા માટે પણ સામસામે આક્ષેપ બાજીઓ કરવામાં આવતી હતી. ત્યારે 4000થી વધારે સભ્યોની મહાજન સંસ્થાની સત્તા જાળવી રાખવા માટે અવનવા દાવપેચ રમતા હોય સત્તા પાંચ વર્ષ કરવાનો દાવ પણ તે પૈકીનો એક હોવાનું સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે.
સત્તાધારીની બોડીની સમય મર્યાદા વધારવા ઉપરાંત સભામાં સભ્યો દ્વારા વાંધા સુચનો કરાવામાં આવેલ. જેમાં ખાસ કરીને તા.30મી સપ્ટેમ્બર દિવસ સુધીમાં જેમનું સભ્યપદ ચાલુ હોય તેઓ જ મતદાન કરી શકે, જુની ચુંટણી પ્રક્રિયા યથાવત રાખવી, હાલની કારોબારી સમિતિની સમય મર્યાદા પાંચ વર્ષ કરવ્ વિગેરે તમામ સુચનો વાર્ષિક સામાન્ય સભા સમક્ષ રજુ કરતાં ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. તેમજ ડો.પુરૂષોત્તમભાઈ પીપરીયાએ ડ્રાફટ બંધારણના તમામ મુદ્દાઓની સઘન ચર્ચા કરેલ તેમજ સભ્યો દ્વારા રજુ થતા પ્રશ્ર્નો સુચનો વિગેરેની રજુઆતો અંગે સંતોષકારક પ્રત્યુતર પાઠવતા સભ્યોએ હર્ષની લાગણી અનુભવેલ. આમ બંધારણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફટ બંધારણને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.
હસમુખ ભાઈએ કીધુંને અને 3ના 5 વર્ષ કરી નાખ્યા : બારસિયા
રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને બંધારણ સમિતિના સભ્ય શિવલાલભાઈ બારસીયાએ જણાવ્યું હતું કે સમયમર્યાદા વધારવાનો એજન્ડા બંધારણમાં સામેલ કરાયો હતો નહી પરંતુ ચેમ્બરના વેપારી સભ્ય હસુભાઈ દ્વારા 3 વર્ષમાંથી પાંચ વર્ષ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં એક પણ સભ્ય દ્વારા તેનો વિરોધ કરવામાં નહીં આવતાં 3માંથી પાંચ વર્ષ કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.