કટારિયા ચોકડી પાસે બસ સાથે બુલેટ અથડાયું, બે છાત્રોને ઇજા
પૂરઝડપે બુલેટ લઇને જતા છાત્રોને વળાંક લેતી બસ દેખાઇ જ નહીં, અકસ્માતનો વીડિયો થયો વાઇરલ
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક બનાવમા કાલાવાડ રોડ પર કટારીયા ચોકડી પાસે વળાંક લેતી બસ દેખાઇ નહી હોય તેમ પુરપાટ ઝડપે ધસી આવેલુ બુલેટ ધડાકાભેર અથડાયુ હતુ જેમા બે છાત્રોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જે અકસ્માતનો વીડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કાલાવાડ રોડ પર આવેલા રૂડાનગર 3 મા રહેતા ક્રિશ ઘેલાભાઇ ઝાપડા (ઉ.વ. 18) અને તેનો પિતરાઇ ભાઇ ઉદય ધીરુભાઇ ઝાપડા (ઉ.વ. 1પ) રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાનુ જીજે 3 કેએસ 5354 નંબરનુ બુલેટ લઇ કાલાવાડ રોડ પર પસાર થઇ રહયા હતા ત્યારે કટારીયા ચોકડી પાસે બુલેટ ખાનગી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ટ્રાફીક જામ સર્જાયો હતો. એકઠા થયેલા લોકો દ્વારા ઇજાગ્રસ્ત યુવક અને સગીરને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અકસ્માતની ઘટના અંગે જાણ થતા ઇજાગ્રસ્ત પિતરાઇનો પરીવાર અને પોલીસ સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા ક્રિશ ઝાપડાની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા અકસ્માતમા ઘવાયેલો ક્રિશ ઝાપડા બે ભાઇમા મોટો છે અને ડીપ્લોમા અભ્યાસ કરે છે જયારે ઉદય ઝાપડા બે ભાઇમા નાનો છે અને ધો. 9 મા અભ્યાસ કરે છે ક્રિશ ઝાપડા બાઇક ચલાવતો હતો તે દરમ્યાન કટારીયા ચોકડી પાસે બસ વળાંક લઇ રહી હતી તે બુલેટ ચાલકના ધ્યાન પર નહી આવતા બસના પાછળના ભાગે બુલેટ ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. બુલેટ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફુટેજ સોશ્યલ મીડીયામા વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.