રતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
દેશી દારૂ બનાવવાની મશીનરી સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ કબજે
બે શખ્સોની ધરપકડ, બે ફરાર, ક્રાઈમ બ્રાંચના PSI ડોડિયાની ટીમનો દરોડો
શહેરના રતનપર ગામ પાસે રામમંદિરની પાછળ સ્વામીનારાયણ ગુરૂકુલ તરફ જવાના રસ્તે ક્રાઈમ બ્રાંચે એક મકાનમાં દરોડો પાડીને ફલેવર વાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. જ્યાંથી 1.10 લાખની કિંમતનો 522 લીટર દેશી દારૂ ઉપરાંત ઓટો રીક્ષા, મોટર સાયકલ તેમજ ફલેવરવાળો દેશી દારૂ બનાવવાની મશીનરી સહિત 3.24 લાખનો મુદ્દામાલ કબજે કરી મધ્યપ્રદેશના શખ્સ સહિત બેની ધરપકડ કરી હતી.
જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર રતનપર પાસે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળ જવાના રસ્તે એક મકાનમાં ફલેવર વાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ક્રામ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડીયા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. આ મકાનમાંથી ફલેરવાળો દેશી દારૂ બનાવવાની મશીનરી તેમજ 552 લીટર દેશી દારૂ એસેન્સની પ્લાસ્ટીકની બોટલો, ઈલેકટ્રીક સીલીંગ મશીન સહિતનો 3.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ એક ઓટો રીક્ષા અને મોટર સાયકલ પણ મળી આવ્યા હતાં.
આ દરોડામાં ક્રાઈમ બ્રાંચે રતનપરાના માનસિંગ હરેશભાઈ રીબડીયા તેમજ મુળ મધ્યપ્રદેશનાં રાજનગરના વતની અને હાલ બેડી ચોકડી પાસે કાલભૈરવના મંદિર પાસે રહેતાં રવિ ચંદ્રશેખર મંડલની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો ઉપરાંત આ રેકેટમાં દેશી દારૂનો જથ્થો લાવનાર કેવલ ઉર્ફે કાનો અને દેશી દારૂનો જથ્થો મોકલનાર પરેશ સનુરાનું નામ ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલ માનસિંગે મધ્યપ્રદેશના રવિ મંડલ કે જેને આવો દેશી દારૂ ફલેવરવાળો બનાવવામાં માસ્ટરી હોય તેની સાથે મળી આ રેકેટ શરૂ કર્યુ હતું.
દેશી દારૂમાં ઓરેન્જ તેમજ અન્ય ફલેવર મીકસ કરીને તે દેશી દારૂના પાઉચ પેકીંગ કરીને વેચતા હતાં. ફલેવરવાળો દેશી દારૂ એક પાઉચના 50 રૂપિયા લેખે વેચવામાં આવતો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચે બન્નેની વિશેષ પુછપરછ શરૂ કરી છે દારૂ પરેશ મોકલતો હતો અને રીક્ષામાં કેવલ તે દારૂ લાવ્યા બાદ તપેલામાં તે દારૂ ઠાલવી તેમાં ફલેવર મીકસ કરીને પાઉચ બનાવી ફલેવરવાળા દેશી દારૂ બનાવવામાં આવતો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ક્રાઈમબ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર. ગોંડલીયા, એમ.એન.ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસ આઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના દીપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજસિંહ કોટીલા, અમીતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જડુ, મયુરભાઈ મિયાત્રા, પ્રદીપસિંહ જાડેજા, વિશાલભાઈ દવે સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.