કુવાડવામાં 33 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ
એક ગેરેજ પણ તોડી પડાયું, સરકારી જમીન ખુલ્લી કરાવતું કલેક્ટર તંત્ર
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની ઝુંબેશના ભાગરૂપે શહેરની ભાગોળે આવેલા કુવાડવા ગામની અંદાજે ચાર હજાર ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલા 33 જેટલા કાચા-પાકા મકાનો તથા એક ગેરજ ઉપર રેવન્યુ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામ ખાતે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, કુવાડવા ગામના સર્વે નંબર 517 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઉભા હતા. તાલુકા મામલતદાર દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં, તેમણે દબાણ દૂર ન કર્યું. આથી, આજે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. ડિમોલીશનની કાર્યવાહી દરમિયાન, આશરે 25 જેટલા કાચા મકાનો, આઠ પાકા મકાનો અને એક ગેરેજ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજિત બે કરોડ રૂૂપિયાથી વધુ કિંમતની આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ કામગીરીમાં કુવાડવા ગામના તલાટી મંત્રી તેમજ કુવાડવા પોલીસ, તાલુકા મામલતદાર, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેટીગામ પાસે પણ દબાણ
કુવાડવાથી આગળ બેટી ગામના પાદરમાં પણ હાઇવે ઉપર સરકારી જમીનમાં મોટાપાયે દબાણો ખડકાઇ ગયાનું જાણવા મળે છે. અમદાવાદ હાઇવે ઉપ બેટી નદીનો પુલ પુરો થયા પછી એરપોર્ટની સામેની બાજુ નદીકાંઠે મંજુરની પાછળના ભાગમાં ગેરકાયદે ખનીજની હેરફેર કરતા લોકોએ સરકારી ખરાબામાં પાકા મકાનો બનાવી લીધા હોવાનું અને લાંબા સમયથી આ મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ફરીયાદો ઉઠી છે.