પોરબંદરમાં નામચીન બૂટલેગરની ઘાતકી હત્યા
દારૂના ધંધાનો ખાર રાખી 13 શખ્સો હથિયાર લઇ તૂટી પડ્યાં : ભારતીય ન્યાય સંહિતાની નવી ક્લમ 111 (સંગઠિત ગેંગ) હેઠળ નોંધાતો ગુનો
પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેમ જિલ્લા પોલીસવડાની કચેરીની નજીક જ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસની સામે ઉભા ઉભા જોઈ શકાય તેટલા અંતરે એક નામચીન બુટલેગરની શનિવારે રાત્રે કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી અને આ બનાવમાં દારૃના ધંધાની અદાવત અને હરીફાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં 13 ઇસમો સામે એફઆઇઆર નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સામે પક્ષે પણ એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
પોરબંદરના ખારવાવાડમાં આવેલા હોળી ચકલામાં રહેતા દિપક નાથાલાલ ખોરાવા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી મૂળજીભાઈ મોતીવરસ 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા, જેથી ભાણેજ સાગર મામા દીપકભાઈની સાથે જ રહેતો હતો. જે તાજેતરમાં કેદારનાથ દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી શનિવારે જ પરત આવ્યો હતો. શનિવારે સાગરે તેના મામા દીપકભાઈને એવું જણાવ્યું હતું કે તેના મિત્ર પીન્ટુના લગ્નની સાંજી બિરલા હોલ પાસે આવેલી ધોબી સમાજની વાડીમાં છે એટલે ત્યાં જાય છે તેમ કહીને ગયો હતો અને ત્યારબાદ મામા ગામમાં ગયા હતા.
બાદમાં સાગર તેના કોઈ મિત્રોની કાર લઈને એકલો મોડી રાત્રે 12.30 વાગ્યે જિલ્લા પોલીસવડાની ઓફિસ પાસે આવેલા નવા ફુવારા પાસે હતો ત્યારે ઝૂરીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર બોલાચાલી કરીને ત્યાંથી દોડીને કોઈને ફોન કરતો કરતો જતો રહ્યો હતો. ત્યારબાદ ત્રણ મોપેડ તથા એક મોટરસાયકલમાં 13 જેટલા માથાભારે સખ્શો આવી પહોંચ્યા હતા. જેમાં રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા, કેવલ મસાણી, કેનિક શેરાજી, અનિલ ધનજી વાંદરિયા, ખુશાલ વિનોદ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકાઢિક, કુશ કિરીટ જુંગી,ચેતન ધનજી વાંદરિયા, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર, યશ અશોક પાંજરી, આકાશ મનસુખ ગોહેલ અને આશિષ ઉર્ફે ટકો વગેરે આવી પહોંચ્યા હતા અને માથાકૂટ ચાલુ કરી હતી.
આ દરમિયાન મામા દીપકભાઈ ખોરાવા પણ ત્યાં પહોંચી ગયા હતા. જે દરમિયાન 3 ઇસમોએ છરીઓ કાઢીને હુમલો કર્યો હતો. જેથી સાગરે પણ સ્વબચાવ માટે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. પરંતુ સામે 13 શખ્સો હતા, જેમણે સાગરને છરીનાં ઘા ઝીંકી દેવા ઉપરાંત પથ્થર અને ઢીંકાપાટુંનાં ઘા માર્યા હતા. તેથી ડરી જઈને મામા દીપકભાઈ ત્યાં ગયા ન હતા અને દૂર ઊભીને જોતા હતા. થોડા સમય પછી સાગરની રાડારાડીનો અવાજ બંધ થતા બધા જ યુવાનો ગાળો બોલતા બોલતા તેમના વાહનમાં નીકળી ગયા હતા. આ મારામારીમાં હુમલાખોર આકાશ મનસુખ ગોહેલને પણ ઈજા થઈ હોવાથી હાથમાં લોહી નીકળતું હતું. આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાદમાં સાગરને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તપાસ કરતા સાત જેટલા છરીના ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી થઈ હતી.
બનાવમાં હત્યાનું કારણ એવું જણાવ્યું છે કે સાગર મોતીવરસ ને અગાઉ ખુશાલ વિનોદ જુંગી તથા આકાશ મનસુખ ગોહેલ સાથે મારામારી અને ઝઘડા થયા હતા. એ જ રીતે પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર સાથે ગતરાત્રે ઝઘડો થયો હતો. તેનું મન દુ:ખ રાખીને આ હત્યા થઈ છે. આ બનાવમાં આરોપીઓ પૈકી એક આરોપી ખુશાલ વિનોદ જુંગી એ શહેરની નામચીન મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીનો પુત્ર છે અને અન્ય યુવાનો પૈકી ઘણા યુવાનો ખુશાલની સાથે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ક્લમ 111 (સંગઠીત ગેંગ) હેઠળ ગુનો નોંધ્યો હતો.