સાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાં
સાળાની પત્ની તેના ઘરે આવતા સાળાએ બનેવી સાથે ઝઘડો કરતા લાગી આવ્યું
શહેરની ભાગોળે આજીડેમ નજીક માડાડુંગરમાં સાળાએ ઘરે આવી ઝઘડો કરતા બનેવીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાળાની પત્ની ઝઘડો કરી તેના ઘરે આવી જતા સાળાએ ઘરે આવી બનેવી સાથે ઝઘડો કરતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધુ હતુ. જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગરમાં રહેતા કલ્પેશ જગજીવનભાઇ મકવાણા (ઉ.વ.34) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે પંખા સાથે લુંગી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે પરિવારજનો તેને બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રથામિક તપાસમાં કલ્પેશ એક ભાઇ એક બહેનમાં નાનો અને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. પાડોશમા રહેતો સાળો મયુર તેની પત્ની દેવીકા સાથે ઝઘડો કરતો હોય જેથી દેવીકા કલ્પેશના ઘરે આવી જતા સાળા મયુરે તેના ઘરે આવી કલ્પેશ સાથે ઝઘડો કર્યો હતો જેથી બનેવી કલ્પેશને લાગી આવતા તેણે આ પગલુ ભરી લીધાનૂ જાણવા મળ્યુ છે.