વાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત
શ્રમિક પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા રમતા ન્હાવા પડયો અને ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બહેન પણ ડૂબી ગઈ
ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ કર્યું છે ત્યારે વરસાદના કારણે નદી-નાળા અને વોંકળા બે કાંઠે વહી રહ્યાં છે ત્યારે વરસાદમાં ડૂબી જવાના અને તણાઈ જવાના બનાવો વધી રહ્યાં છે. શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા વાછકપર (બેડી) ગામે રહેતાં શ્રમિક પરિવારના માસુમ ભાઈ-બહેનના વોંકળામાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. અઢી વર્ષનો પુત્ર રમતા રમતા વોંકળામાં ન્હાવા પડયો અને ડૂબવા લાગતાં તેની સાથે રહેલી પાંચ વર્ષની બહેને પણ ભાઈને બચાવવા પાણીમાં ઝપલાવતાં બન્ને પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજ્યા હતાં.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાછકપર (બેડી)ગામે નિલેશ ભંડેરીની વાડીમાં કામ કરતાં કાળુભાઈ માવીનો અઢી વર્ષનો પુત્ર જગદીશ અને પાંચ વર્ષની પુત્રી ભાવના આજે સવારે વાડી નજીક રમતા હતાં ત્યારે બન્ને રમતા રમતા વોંકળા નજીક પહોંચતાં જગદીશ ન્હાવા માટે વોંકળામાં પડતાં ડૂબવા લાગ્યો હતો. જેથી ભાવના ભાઈને બચાવવા વોંકળાના પાણીમાં પડતાં તે પણ ડૂબી જતાં બન્ને પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પરિવારજનો બન્ને બાળકોની શોધખોળ કરતાં હતાં દરમિયાન ગામના લોકો એકઠા થઈ જતાં શોધખોળ દરમિયાન વોંકળામાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતાં.
બન્ને બાળકોને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ બન્નેના મોત નિપજ્યા હતાં.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી બન્ને મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં કાળુભાઈ મુળ મધ્યપ્રદેશના વતની છે. આ બન્ને બાળકો તેમની બીજી પત્ની મનીષાબેનના હતાં તેમની પહેલી પત્નીને ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહિં વાડીમાં કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. માસુમ ભાઈ બહેનના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.