ગાંધીનગર કોર્પોરેશનમાં સમિતિઓની નિમણૂકને બ્રેક
સરકારમાં દરખાસ્ત પેન્ડિંગ હોવા છતાં ભાજપ સંગઠને હોદ્દેદારો જાહેર કરી દીધા, સામાન્ય સભામાં મંજૂરી અટકાવાઇ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 નવી સમિતિઓની રચના કરવા માટેની દરખાસ્ત સરકાર સમક્ષ પડતર હોવા છતાં સંગઠન દ્વારા આશ્ચર્યજનક રીતે 10 સમિતિ જાહેર કરી દેવામાં આવી હતી. દરેક સમિતિમાં ચેરમેન અને સભ્યોની યાદી પણ સંગઠને જાહેર કરી દીધી હતી. સ્થાનિક સંગઠને પ્રદેશ કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ આ નિર્ણય લીધો હોવાનો દાવો પણ થયો હતો. જોકે વહીવટી પ્રક્રિયા પૂરી થતાં પહેલાં સમિતિઓની રચના શક્ય ન હતી અને વળી સંગઠને સરકારની ઉપરવટ જઈને આ નિર્ણય જાહેર કર્યો હોવાની છાપ પણ ઊભી થઈ હતી. આમ, સમિતિઓની રચનાનો મુદ્દો વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો હતો. આખરે આ વિવાદ રોકવાની કવાયત અંતર્ગત નવી સમિતિઓની રચના કરવાની દરખાસ્તને સામાન્ય સભામાં મુલતવી રાખવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર-ચેરમેન સહિતના પદાધિકારીઓ શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેવી સ્થિતિ છે. નીતિ વિષયક નિર્ણયો બાબતે હોદ્દેદારોએ સ્થાનિક સંગઠનના હુકમનું પાલન કરવું પડે છે, જેનો સીધો પુરાવો સમિતિઓની રચનાનો છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સર્વ સંમતિ બાદ 7 સમિતિની રચના માટે સરકારમાં દરખાસ્ત કરી હતી.
સરકારમાંથી આ દરખાસ્તને મંજૂરી મળે તે પહેલાં સંગઠને 10 સમિતિ અને તેના ચેરમેન-વાઈસ ચેરમેન અને હોદ્દેદારોની નિમણૂક કરી દીધી હતી. કાયદેસર રીતે આ નિમણૂકો અમલી બની શકે તેમ ન હોવાથી સ્થાયી સમિતિએ સમિતિઓની રચનામાં સુધારો કર્યો હતો. નવા ઠરાવમાં 7ના બદલે 10 સમિતિ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી. સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં આ દરખાસ્તને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.