સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેક
આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે શિક્ષણ વિભાગની સૂચના
ચુંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરવામાં આવતા આચાર સંહિતા અમલમાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણને લગતી તમામ પ્રક્રીયા હાલ પુરતી બંધ કરવા માટેની સુચના આપવામાં આવી હતી અને આદર્શ આચારસંહીતાની અમલવારી કરાવવા આદેશ અપાયો છે.
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા સહીત પંચાયતોની સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તાજેતરમાં ઇલકેશન પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહીનામાં ચુંટણી યોજી અને તેની પ્રક્રિયા શરૂ કરવા જાહેર કરાયું હતું. ચુંટણીની જાહેરાત થતા જ રાજયમાં આચારસંહીતા લાગુ પડી ગઇ છે. આચારસંહીતા અંતર્ગત શિક્ષણ વિભાગની કાર્યવાહીઓને પણ બ્રેક લાગી ગઇ છે. જે અંગેનો પરિપત્ર શિક્ષણ સચિવ દ્વારા તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અટકી ગયેલી શિક્ષકોની ભરતી અંગે હાલ ફોર્મ ભરાઇ રહ્યા છે. જિલ્લા કક્ષાએ ફેરબદલીના કેમ્પો સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહ્યા છે. તેમજ બોર્ડની પરીક્ષાને લઇને પણ તૈયારીઓ ચાલી રહી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ પ્રક્રીયા હાલ પુરતી મૌકુફ રાખવા માટે સુચના આપી દેતા હાલ શિક્ષકોની ભરતી અને બદલી પ્રક્રીયાને બ્રેક લાગી ગઇ છે. આ તમામ પ્રક્રીયાઓ ચુંટણીની આચાર સંહીતા હટયા બાદ ફરીથી હાથ ધરવામાં આવશે.
