ગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથન
રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલની કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે વીડિયો કોન્ફરન્સ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યોના ગ્રામ વિકાસ વિભાગના મંત્રીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગર ખાતેથી જોડાયા હતા. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીએ તમામ રાજ્યના મંત્રીઓ પાસેથી ગામડાઓના વિકાસને લગત સૂચનો માંગ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સૌને કેલેન્ડર ન્યૂ યરની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશના છેવાડાના ગામડામાં વસતા લોકોને પણ સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યના મંત્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે સંસાધનોનો અધિકતમ ઉપયોગ કરવામાં આવે જેથી કરીને લોકોનું જીવન શ્રેષ્ઠ બને. ગ્રામીણ ક્ષેત્રે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી દેશના ગામડાઓમાં વસતા લાખો લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવતા ગ્રામીણ ક્ષેત્રના અનેક લોકોને રોજગારી મળી છે. દિન દયાલ અંત્યોદય યોજના, નરેગા, પીએમ ગ્રામીણ સડક યોજના જેવી ગ્રામીણ વિકાસને લગતી અનેક યોજનાઓના અમલીકરણ થકી ગામડાઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.
મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગામડાઓનો ફાળો અતિ મહત્વનો છે.
કેન્દ્રીય મંત્રી સમક્ષ સૂચનો આપતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સહાયની રકમ વધારવા, એનઆરએલએમ પોર્ટલ પર વ્યક્તિગત અને સામૂહિક મહિલા સ્વ સહાય જૂથની માહિતી ઉપલબ્ધ કરાવવી, ડ્રોનને એક સ્થળેથી બીજ સ્થળે લઈ જવા વાહનની વ્યવસ્થાઓ ઊભી કરવા, શ્રમિકોના જોબકાર્ડને જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પ્રમાણપત્ર સાથે જોડવા જેથી કરી જોબકાર્ડનો દૂરઉપયોગ થતો અટકી શકે જેવા સૂચનો કર્યા હતા.
તેમજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જે સહાય ચૂકવવામાં આવે છે તેમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પરની ક્ષતિ દૂર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. ગુજરાતના ગામડાઓમાં વસતા લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં ગામડાઓનું મહત્વનું યોગદાન રહે તે પ્રકારે મંત્રીએ સૂચનો કર્યા હતા.
આ વિડિઓ કોન્ફરન્સમાં કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ વગેરે સહભાગી થયા હતા.