પ્રેમિકાના માતા-પિતાએ લગ્નનો ઈનકાર કરતા પ્રેમીએ ઝેરી ટીકડા ખાધા
શહેરની ભાગોળે આવેલા ખીજડીયા ગામે રહેતા યુવકે પ્રેમિકાના પરિવારે લગ્નની ના પાડતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલ ખીજડીયા ગામે રહેતા નયન ખેંગારભાઈ બોસિયા નામનો 26 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં નયન બોસિયા બે ભાઈ એક બહેનમાં મોટો છે અને કારખાનામાં કામ કરે છે.
નયન બોસિયાને ગામમાં રહેતી યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ છે. પરંતુ પ્રેમિકાના પરિવારે લગ્નની ના પાડતા નયન બોસિયાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે જેમાં નવી ઘાંચીવાડમાં રહેતા નિતીન લવજીભાઈ મુછડીયા નામના 30 વર્ષના યુવાને નવી કોર્ટ બિલ્ડિંગમાં, આરટીઓ કચેરી પાછળ આવેલ નરશીનગરમાં રહેતી સોનલબેન વિજયભાઈ નામની 35 વર્ષની પરિણીતા તાર ઓફિસ પાછળ અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા અશમાબાનું સોહિલભાઈ માકડા (ઉ.વ.27) અને મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા જયેશ બાવજીભાઈ રાઠોડ નામના 28 વર્ષના યુવાને પરેવડી ચોકમાં ફીનાઇલ પી લીધું હતું. ઉપરોક્ત ચારેય વ્યક્તિની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.