રાઈડ-જમીન ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો મેળાનો બહિષ્કાર
મોંઘવારીના કારણે ફોર્મનો ભાવ 50માંથી 200 કર્યો : પ્લોટનો ભાવ 10 ટકા વધાર્યો પણ ટિકિટના દર પાંચ રૂપિયા પણ ન વધાર્યા : રાઈડ્સના સંચાલકોની ચીમકી
રાજકોટના જનમાષ્ટમીના પર્વ નિમિતે યોજાતા લોકમેળામાં આ વર્ષે ટીઆરપી અગ્નિકાંડના કારણે રાજ્ય સરકારે નવી એસઓપી બનાવી છે. જેના કારણે યાંત્રિક રાઈડ્સના સંચાલકોને ખર્ચો વધી જતો હોય નવી એસઓપી મુજબ રાઈડ્સનાં ટેસ્ટીંગ રિપોર્ટ અને જમીનના ટેસ્ટીંગ રિપોર્ટમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે. અને જો માંગણી નહીં સ્વિકારાય તો યાંત્રિક રાઈડ્સના સંચાલકો લોકમેળાનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. 24થી 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા ધ્યાને રાખીને આ વર્ષે લોકમેળામાં રાજ્ય સરકારના આદેશથી લોકમેળા સમિતિએ કડક આદેશો જાહેર કર્યા છે. જેમાં યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ ફિટનેશ સર્ટિફિકેટ ફરજિયાત કર્યુ છે. અને રાજ્ય સરકારની એસઓપી મુજબ સોઈલ ટેસ્ટ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની નવી એસઓપીના વિરોધમાં આજે યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન વતી રાઈડના ટેસ્ટીંગમાંથી તેમજ જમીનના ટેસ્ટીંગમાંથી મુક્તિ અપાવવાની માંગણી કરી છે. અને જો આ માંગણી નહીં સ્વિકારાય તો યાંત્રિક રાઈડ્સના સંચાલકો લોકમેળાનો બહિષ્કાર કરશે તેવી ચિમકી આપી છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની એસઓપી મુજબ એક્સપર્ટ એન્જીનીયર દ્વારા રાઈડ્સનું પ્રમાણપત્ર મેળવવું, રાઈડ્સની આયુષ્ય મર્યાદા જાહેર કરવી, રાઈડ્સના વપરાશના કલાકો મહિના અને વર્ષ જાહેર કરવા, રાઈડ્સના ડ્રોઈંગની વિગતો જાહેર કરવી, સક્ષમ અધિકૃત સંસ્થા દ્વારા પ્રમાણીત કરેલા ડિઝાઈનની વિગતો જાહેર કરવી રાઈડ્સની છેલ્લી મરામતની વિગતો જાહેર કરવી તેમજ રાઈડ્સના ઓપરેટરની લાયકાત જાહેર કરવી જે વસ્તુ શક્ય ન હોય તેમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.
આ ઉપરાંત સોઈલ ટેસ્ટ માટે મુક્તિ આપવાની પણ માંગણી કરી છે. પાંચ દિવસ માટે કોઈ જગ્યા ભાડે આપતા હોય ત્યારે તેનું જમીનનું પરિક્ષણ કરવાની જવાબદારી યાત્રિક રાઈડ્સના સંચાલકની રહેતી નથી તેમ જણાવ્યું હતું. વધુમાં યાત્રિક રાઈડ્સના સંચાલકોએ ઉમેર્યુ હતું કે, પ્લોટના ભાવમાં 10 ટકા જેવો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જતેની સામે ટીકીટના દર પાંચ રૂપિયા પણ વધાર્યા નથી એટલું જ નહીં પરંતુ મોંઘવારીના કારણે અગાઉ 50 રૂપિયાનું ફોર્મ મળતું હતું જેમાં વધારો કરીને ફોર્મનો ભાવ 200 રૂપિયા કરી નાખ્યો છે. લોકમેળા સમિતિને મોંઘવારી નડે છે તો યાંત્રિક રાઈડ્સના સંચાલકોને મોંઘવારી નહીં નડતી હોય?