રિલાયન્સ મોલમાં ‘બોમ્બ’ મળી આવતાં ખળભળાટ
એસઓજી, બોમ્બ સ્કવોડ, કયુઆરટી સહિતના સ્ટાફે મોલમાં રહેલા 250 લોકોને સલામત સ્થળે ખસેડયા : અંતે મોકડ્રીલ જાહેર
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ રિલાયન્સ મોલમાં આજે સવારે એક શંકાસ્પદ પાર્સલમાં વિસ્ફોટક જેવો પદાર્થ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. જેના પગલે એસીપી બી જે ચૌધરી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) પીઆઈ સંજયસિંહ જાડેજાની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ(ક્યુઆરટી), ફાયર બ્રિગેડ, માલવિયાનગર પોલીસના પીઆઈ જે આર દેસાઈની ટીમો અને ટ્રાફિક શાખાના જવાનો તાત્કાલિક બનાવસ્થળે દોડી ગયા હતા.
પોલીસ દ્વારા સાવચેતીના પગલે મોલમાં હાજર કર્મચારીઓ સહીત 250 જેટલાં લોકોને તાબડતોડ ઈવેક્યૂટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં શંકાસ્પદ પાર્સલમાં રહેલ પદાર્થની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જે બાદ અંતે આ સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવતા તંત્ર અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.શંકાસ્પદ પદાર્થ મળવાની ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવ્યા બાદ એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસ દ્વારા મોલના કર્મચારીઓ અને હાજર સામાન્ય નાગરિકોને શંકાસ્પદ પદાર્થ મળી આવ્યે શું કરવું, શું ન કરવું સહીતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.