બોલેરોનું ટાયર ફાટતા આગળ જતાં બાઈકને ઉલાળ્યું : ચાલકનું મોત
બામણબોર પાસેની ઘટના; રાજકોટ આવતા ચોટીલાના યુવકને કાળ ખેંચી ગયો
ચોટીલામાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈ રાજકોટ આવતો હતો ત્યારે બામણબોર નજીક બોલોરોનું ટાયર ફાટતાં બાઈકને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ચોટીલામાં આણંદપર રોડ ઉફર રહેતા પંકજ મોહનભાઈ ગોહેલ નામનો 40 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ રાજકોટ તરફ આવતો હતો. ત્યારે બામણબોર ચેક પોસ્ટ અને ગુંદાળા ગામ વચ્ચે પહોચતાં પાછળથી આવતા બોલેરોની ઠોકરે ચડી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક પંકજભાઈ ગોહેલને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે જરૂરી કાર્યલાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતાં અને છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક પંકજ ગોહેલ પોતાનું બાઈક લઈ રાજકોટ આવતો હતો. ત્યારે બામણબોર પાસે પહોચતાં પાછળથી આવતી બોલેરોનું ટાર ફાટતા બાઈકને ઉલાળતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
