ખંભાળિયા હાઇવે પર રોઝડું આડે ઉતરતા બોલેરોની પલટી, એકનું મોત
- હડિયાણા ગામના એક વૃદ્ધને કાળ આંબી જતા અરેરાટી મચી છે જ્યારે અન્ય છ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત
જામનગર ખંભાળિયા હાઇવે પર ગઈકાલે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મોડપર ગામના પાટીયા પાસે યાત્રાળુઓ ભરેલો બોલેરો પલ્ટી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં રોઝડું આડું ઉતરવાના કારણે પલટી મારી ગયાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં હડિયાણા ગામના એક વૃદ્ધને કાળ આંબી જતા અરેરાટી મચી છે.જ્યારે અન્ય છ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જોડિયા તાલુકાના હડીયાણા ગામના વકાતર પરિવારના કેટલાક યાત્રાળુઓ આજે વહેલી સવારે હડીયાણા થી નીકળીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા.જેઓ તમામ જીજે 36 વી 1589 નંબરના બોલેરોમાં બેઠા હતા, જે બોલેરો ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે પહોંચતાં માર્ગ પર એક રોઝડું આડું આવતાં તેની સાથે અથડાઈ ને બોલેરો પલટી મારી ગયો હતો, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં વકાતર આલાભાઇ લીંબાભાઈ (ઉ.વ.62) ને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
જે અકસ્માતના બનાવની જાણ થતાં સૌપ્રથમ 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ઉપરાંત અકસ્માતના બનાવ અંગે મેઘપર પોલીસને જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અન્ય ઇજાગ્રરસ્તોના નિવેદનો લેવાનું શરૂૂ કર્યું છે.