જામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી પાણીમાંથી યુવાનની લાશ મળી
શ્રમિક યુવાનનું વીજઆંચકાથી મોત, બિમારીથી કંટાળી શ્રમિક અને નેપાળી મહિલાનો આપઘાત
જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના રણમલ તળાવમાં જુની આરટીઓ કચેરી નજીકના પાણીના ભાગમાં ગઈકાલે બપોરે 12.00 વાગ્યે એક યુવાન પાણીમાં પડ્યો હોવાની માહિતી મળતાં ત્યાં હાજર રહેલા લોકોએ પાણી માં ઝંપલાવી તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
108 ની ટુકડી એ સ્થળ પર આવીને તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
મૃતકનું નામ સુરેશ બટુકભાઈ વાઘેલા (35) હોવાનું જાણવા મળ્યું છે. 108 ની ટીમેં પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાનનો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા મહેશ કારૂૂભાઈ ચનુરા નામના 40 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ કારૂૂભાઈએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર યુવાનને દારૂૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેને લીવરની બીમારી લાગુ પડી ગઈ હતી. અને તેની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસ નિવેદનમાં જણાવ્યું છે.
નેપાળી મહિલાનો આપઘાત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં કમલ મેટલ પ્રોડક્ટ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ સુરત કતારગામના મંજુબેન પ્રેમબહાદુર સોની નામના નેપાળી મહિલાએ પોતાના રહેણાંક મકાનના પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ મામલે સૌપ્રથમ તેની સાથે રહેતા શીતલબેન વિનોદભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એચ.વી. રોયલા બનાવનાર સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને નેપાળી મહિલાએ કયાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.
વીજઆંચકાથી મૃત્યું
જામનગરમાં સરદાર આવાસ માં રહેતા અને ટીએમટી લોખંડના સળિયા નું ગોડાઉન ધરાવતા વિપુલભાઈ મોહનભાઈ વસોયા નામના પટેલ વેપારી દ્વારા સમર્પણ સર્કલ નજીક શિવધારા રેસીડેન્સી પાસે એક બાંધકામના સ્થળે ગઈકાલે ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ચાર શ્રમિકો લોખંડના સળિયા ઉતારવાનું કામ કરી રહ્યા હતા. જે દરમિયાન દરેડ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કામ કરતો 35 વર્ષની વયનો એક અજાણ્યો પુરુષ ત્યાં મજૂરી કામ કરવા આવ્યો હતો, અને ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે ઉપરથી પસાર થઈ રહેલી 66 કેવી ની હેવી વિજ લાઈનમાં લોખંડનો સળીયો અડી જતાં વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.