બોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લક
આજે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ભીડ જોવા મળી હતી. જામનગર જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કલેકટરે વિદ્યાર્થીઓને શાંતિથી પરીક્ષા આપવા અને કોઈપણ પ્રકારના તણાવથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જરૂૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પેપર આપ્યા હતા અને તેઓએ પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો.